ગોંડલ પંથકમાં માંડણકુંડલા અને શ્રીનાથગઢ વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શ્રીનાથગઢ નજીક આગળ જતી પાણીપૂરીની રેકડી સાથે બાઇક અથડાતાં બાઇક ચાલક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.મૃતક રાજેશભાઈ મૂળ મધ્યપ્રદેશના બળવાણી જિલ્લાના વતની હતા અને છેલ્લા બે વર્ષથી દેવચડી ગામે ખેતમજૂરી કરતા હતા. તેઓ પોતાના પુત્ર શિવમ (ઉ.વ. ૧૬) અને કૌટુંબિક સગા જીતેનભાઈ કોટવાલ (ઉ.વ. ૨૭) સાથે બાઇક પર વાસાવડ ખાતે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્‌યો હતો.ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી જીતેનભાઈની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.