ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ઉપયોગમાં લેવાતો અને પોલીસકર્મીના યુનિફોર્મ પર પહેરવામાં આવતો એક મહત્વપૂર્ણ સરકારી ‘બોડી વોર્ન કેમેરા’ ગુમ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને ફાળવવામાં આવેલો સરકારી બોડી વોર્ન કેમેરો ગુમ થયો હતો. આ ગુમ થયેલા કેમેરાનો સીરીયલ નંબર ઠ૮૧૭૦૫૩૫૯ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બોડી વોર્ન કેમેરા પોલીસની કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવા માટેનું મહત્વનું સાધન છે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિમાં પારદર્શિતા જાળવવામાં મદદરૂપ થાય છે. સરકારી સાધન આ રીતે ગુમ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં આંતરિક ચકાસણી દરમિયાન આ કેમેરો મળી ન આવતા આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. કેમેરો ક્યારે અને કેવી રીતે ગુમ થયો તે અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.










































