અમરેલી તાલુકા પોલીસે કુંકાવાવ રોડ પર આવેલી નારાયણ મીલની કોલોનીમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરીને એક આરોપીને ઝડપી પાડ્‌યો છે. આ કેસની વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમરેલીમાં રહેતા રાહુલભાઈ કુસ્વાહા પોતાના ઘરને તાળું મારી વતન ગયા હતા ત્યારે બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા શખ્સે આશરે ૧.૫૧ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ ગંભીર ગુનાની તપાસ માટે પીઆઈ ઓ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરતા ફરિયાદીના જ વતનના અને પડોશમાં રહેતા અભિષેક ભરતસિંહ કુસ્વાહા પર શંકા ગઈ હતી. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી આશરે ૧.૧૨ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેઈન, ટીકો, વીંટી અને ચાંદીની વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે.