અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો નનામો પત્ર મળતા વહીવટી તંત્ર અને પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરેલી સીટી પોલીસ હરકતમાં આવી હતી. તાત્કાલિક ડોગ સ્ક્વોડ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ કલેક્ટર કચેરીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર કચેરી અને આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. જેના કારણે વહીવટી અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પહેલાં પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી હોવાથી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. હવે આ નનામો પત્ર કોણે મોકલ્યો, તે ક્યાંથી પોસ્ટ કરવામાં આવ્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.








































