ખાંભા તાલુકામાં એસ.ટી. ડેપો ન હોવાથી તાલુકાનાં ૫૭ ગામોના લોકોને પૂરતી એસ.ટી. બસની સુવિધા મળતી નથી. આથી તાલુકાના લોકોના હિતમાં ખાંભા ખાતે એસ.ટી. ડેપો શરૂ કરવાની માંગ ઉઠી છે. આ અંગે મુખ્યમંત્રી, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વર્ષો પહેલાં ખાંભા ખાતે એસ.ટી. ડેપોનું મકાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી બસોની અવરજવર બંધ થતાં મકાન પણ જર્જરિત થઈ ગયું છે. ડેપોના અભાવે તાલુકાનાં ગામો ઉપરાંત સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, દ્વારકા અને સોમનાથ સહિતનાં શહેરો માટે લાંબા અંતરની બસ સુવિધા મળતી નથી. રાજ્યના મોટાભાગના તાલુકા મથકોએ ડેપો કાર્યરત છે ત્યારે ખાંભામાં પણ તાત્કાલિક એસ.ટી. ડેપો શરૂ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર ભાનુભાઈ કોઠીયા દ્વારા કરવામાં આવી છે.


































