રાજુલાના જૂની કાતર ગામે એક પરિણીતાએ અગાસી પર દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવમાં તેના પતિ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ સુરત રહેતા અને મૂળ જૂની કાતર ગામના ગોવિંદભાઈ ભીખાભાઈ જોગદિયા (ઉં.વ.૪૬)એ રાજુલાના કુંડલિયાળા ગામના હરેશભાઈ લખમણભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમની બહેન દયાબેનને તેના પતિ હરેશભાઈ શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. જેથી દયાબેને કંટાળી જઈને ભાઈને જાણ કરતા, તેમણે તેમના કુટુંબી ભાઈ મામૈયાભાઈને કુંડલિયાળા ગામે આરોપીને સમજાવવા મોકલ્યા હતા. આરોપીને સમજાવવા છતાં તે માન્યો નહોતો અને દયાબેનના બંને દીકરાઓ તથા ઘરેણાં લઈ લઈને દયાબેનને તેના પિયર મોકલી આપી હતી. દયાબેન તેના બંને દીકરાઓ વગર રહી શકતા નહોતા અને આરોપી હરેશભાઈને દીકરાઓ પરત આપવા માટે ફોન કરી કહેવા છતાં તેણે દીકરાઓ આપ્યા નહોતા.આરોપી હરેશભાઈના દુઃખ-ત્રાસથી કંટાળી જઈ, પોતાના દીકરાઓ વગર રહી ન શકતા અને આરોપીનો ત્રાસ સહન ન થતા દયાબેને મામૈયાભાઈના ઘરે અગાસી ઉપર દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આરોપીએ તેમની બહેન દયાબેનને મરવા મજબૂર કરી ગુનો કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ. બી. જાની વધુ તપાસ કરી રહ્યા છે.



































