ઉના તાલુકાના કંસારી અને ભાચા ગામ વચ્ચે ખોડિયારની ધાર નજીક ત્રણ બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. મૂળ આથમણા પડાના અને હાલ સુરત રહેતા અજીતસિંહ જીલુભા ગોહિલ કૌટુંબિક સાળાના લગ્નપ્રસંગે બાઈક પર તાલાલાના મોરુકા ગામે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગંભીર રીતે ઘાયલ અજીતસિંહને ૧૦૮ મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. મોબાઈલ પર આવેલા ફોનના આધારે તેમની ઓળખ થઈ હતી. અકસ્માતમાં ગારિયાધારના જમાલભાઈ ઉઢેચા (ઉં.વ. ૩૭) ગંભીર રીતે, જ્યારે તેમના પત્ની સલમાબેન તથા પુત્રો રેહાન અને વારિસ સામાન્ય ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લગ્નપ્રસંગે જતા યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે. નોંધનીય છે કે, ઉના પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે.