એક દાયકા પછી દુનિયા પર મુસ્લિમોનું રાજ હશે ?
વિશ્વમાં વસતી વધારાના ટ્રેન્ડ પર રિસર્ચ કરતી અમેરિકન એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરના અહેવાલમાં દાવો કરાયો છે કે, ૨૦૩૫ સુધીમાં ઈસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે અને ખ્રિસ્તીઓ બીજા નંબરે આવી જશે. આ રીપોર્ટ પ્રમાણે, ૨૦૩૫ સુધીમાં વિશ્વમાં મુસ્લિમોની સંખ્યા ૨.૫૭ અબજ થઈ જશે જ્યારે ખ્રિસ્તીઓ ૨.૫૨ અબજ સાથે બીજા નંબરે આવી જશે.
૨૦૨૦માં વિશ્વમાં મુસ્લિમોની વસ્તી ૨.૦૨ અબજ હતી, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૨.૫૭ અબજ થશે અને ૨૦૭૦ સુધીમાં ૩.૬ અબજથી વધુ થવાનો અંદાજ છે. આમ ૨૦૨૦ થી ૨૦૭૦ વચ્ચે મુસ્લિમ વસ્તીમાં લગભગ ૮૦ ટકા વધારાનો અંદાજ છે.
ઈસ્લામ દુનિયામાં સૌથી વધારે વસતી ધર્મ દેશ બની જશે તેના માટે બે કારણો મુખ્યત્વે જવાબદાર છે. પહેલું કારણ મુસ્લિમ મહિલાઓનો ઉંચો પ્રજનન દર છે. વૈશ્વિક સ્તરે મુસ્લિમ મહિલાઓની બાળકો પેદા કરવાની સરેરાશ ૩.૧ બાળકની છે જ્યારે ખ્રિસ્તી મહિલાઓની સરેરાશ ૨.૫ બાળકોની છે. બીજા ધર્મની મહિલાઓ તો રેસમાં જ નથી કેમ કે મુસ્સિમ અને ખ્રિસ્તી સિવાયના બીજા બધા ધર્મોની મહિલાઓની સરેરાશ ૨થી પણ ઓછી છે. આ કારણે મુસ્લિમોની વસતી બીજાં ધર્મોના પ્રમાણમાં વધારે ઝડપથી વધશે,
બીજું કારણ ખ્રિસ્તી ધર્મનાં લોકોમાં વધી રહેલી નાસ્તિકતા છે. ખ્રિસ્તીઓમાં મહિલાદીઠ ૨.૮ બાળકોની સરેરાશ છે પણ ખ્રિસ્તીઓ મોટા પ્રમાણમાં નાસ્તિક બની રહ્યા છે. ખ્રિસ્તીઓનો સૌથી મોટો દેશ અમેરિકા છે અને અમેરિકામાં ૨૦૨૦ સુધીમાં ખ્રિસ્તીઓની વસતી કુલ વસતીમાં ૫૦ ટકાથી પણ ઓછી હશે. અમેરિકા સિવાય ફ્રાન્સ, જર્મની, યુકે, કેનેડા સહિતના દેશોમાં ખ્રિસ્તીઓને ધર્મમાં રસ ઘટી રહ્યો છે તેથી ખ્રિસ્તીઓની વસતી ધાર્યા પ્રમાણમાં નહીં વધે. આવનારાં ૫૦ વર્ષમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં ૩૦ ટકાનો વધારો થવાની શક્યતા છે.
મુસ્લિમોની વસતી વધવા છતાં મુસ્લિમોનું દુનિયા પર રાજ નહીં હોય. કેમ કે હવે તલવાર લઈને યુધ્ધ લડવાનો સમય નથી. અત્યારે આર્થિક તાકાત અને ટેકનોલોજી પર પ્રભુત્વ મહત્વનું છે. મુઠ્ઠીભર આરબ દેશોને બાદ કરતાં બાકીના મુસ્લિમ દેશો ભૂખડી બારસ છે અને ટેકનોલોજીમાં ઢ છે. ભારત સહિતના થોડાક દેશોને બાદ કરતાં બીજા દેશોના મુસ્લિમો તો શિક્ષિત પણ નથી તેથી માત્ર વધારે વસતીના જોરે મુસ્લિમો દુનિયા પર રાજ નહીં કરી શકે,
હિંદુઓની વસતીનો સીનેરિયો શું છે ?
પ્યૂ રિસર્ચ સેન્ટરના અહેવાલપ્રમાણે, ૨૦૨૦માં વિશ્વભરમાં લગભગ ૧.૨ અબજ હિન્દુઓ હતા અને વૈશ્વિક વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ આશરે ૧૫ ટકા હતું. આ પૈકી લગભગ ૧.૧ અબજ એટલે કે ૯૫% ટકા હિંદુ ભારતમાં રહેતા હતા. વિશ્વના કુલ હિંદુઓમાંથી લગભગ ૯૯% હિન્દુઓ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વસે છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના અંદાજ મુજબ, ૨૦૭૦ સુધીમાં વૈશ્વિક હિન્દુ વસ્તીમાં લગભગ ૧૯.૯ કરોડનો વધારો થશે અને હિંદુઓની કુસ વસતી ૧૪૦ કરોડ સુધી પહોંચી શકે છે પણ વિશ્વની કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટશે કેમ કે હિંદુઓની સરખામણીમાં ખ્રિસ્તી અને મુસ્લિમોની વસ્તી વધારે પ્રમાણમાં વધવાની છે. આ કારણે વિશ્વની કુલ વસ્તીમાં હિંદુઓનો હિસ્સો હાલના ૧૫ ટકાથી ઘટીને ૧૪ ટકા થઈ શકે છે.
હિંદુઓની સૌથી વધારે વસતી ભારતમાં ૧૧૦ કરોડ છે. એ પછી બીજા નંબરે નેપાળમાં ૨. ૨૦ કરોડ હિંદુઓ છે. બાંગ્લાદેશમાં ૧.૩૦ કરોડ, પાકિસ્તાનમાં ૫૦ લાખ અને ઇન્ડોનેશિયામાં ૪૦ લાખ હિંદુ છે. આ રિપોર્ટ પ્રમાણે, ૨૦૭૦ સુધીમાં હિંદુઓની વસ્તીમાં વધારો થશે પણ ભારતની કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટશે જ્યારે મુસ્લિમોનું પ્રમાણ વધશે. આ અભ્યાસ પ્રમાણે ૨૦૭૦ સુધીમાં ભારતની કુલ વસ્તીમાં હિંદુઓ ૭૬ ટકા હશે. આ પ્રમાણ અત્યારે ૭૯ ટકા છે.
દેશની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો ૧૫ ટકાથી વધીને ૨૦ ટકા થશે. ૨૦૨૦ થી ૨૦૭૦ દરમિયાન ભારતમાં હિંદુઓની વસતીમાં ૧૭.૬૦ કરોડનો વધારો થવાનો અંદાજ છે પણ હિંદુઓની વસ્તી વધવા છતાં પ્રમાણ ઘટશે. ૨૦૨૦માં ભારતની વસ્તીમાં ૭૯.૪ ટકા હિંદુ છે તે ઘટીને ૨૦૭૦માં ૭૫.૮ ટકા થવાનો અંદાજ છે.
અત્યારે વિશ્વમાં ભારત અને નેપાળ બે જ દેશો હિંદુ બહુમતી ધરાવતા દેશો છે. ૨૦૭૦ માં પણ હિન્દુ બહુમતી ધરાવતા દેશો ભારત અને નેપાળ જ હશે તેવું અનુમાન છે.
આ રીપોર્ટમાં એક નોંધપાત્ર અને હિંદુઓએ ગર્વ લેવા જેવી વાત એ છે કે, હિન્દુ તરીકે ઉછરેલા ૯૯ ટકા લોકો પુખ્ત વયે પણ પોતાની ઓળખ હિન્દુ તરીકે જ જાળવી રાખે છે. મતલબ કે, હિંદુઓમાં ધર્માંતરણ ઓછું છે તેથી ભારતની વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટશે તેના માટે ધર્મ પરિવર્તન નહીં પણ પ્રજનન દરોમાં રહેલા તફાવત જવાબદાર છે. ભારતમાં મુસ્લિમોની સરેરાશ ઉંમર હિંદુઓ કરતાં ઓછી છે અને મુસ્લિમો સરેરાશ વધુ બાળકોને જન્મ આપે છે તેથી તેમનું પ્રમાણ વધશે.
સૌથી વધારે મુસ્લિમો ક્યાં હશે ?
અત્યારે ઇન્ડોનેશિયામાં વિશ્વના સૌથી વધુ મુસ્લિમો રહે છે પણ ૨૦૭૦ સુધીમાં પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની શકે છે જ્યારે ઈન્ડોનેશિયા ચોથા નંબરે હશે. પાકિસ્તાન પછી બીજા નંબરે ભારત, ત્રીજા નંબરે નાઇજીરિયા અને એ પછી ઇન્ડોનેશિયા હશે. ૨૦૭૦ સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી આશરે ૩૩.૪ કરોડ હશે. જ્યારે પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી વધીને અંદાજે ૪૬.૧ કરોડ થશે.
૨૦૨૦થી ૨૦૭૦ દરમિયાન ભારતમાં હિંદુઓની વસ્તીમાં ૧૭.૬ કરોડનો વધારો થવાની ધારણા છે અને દેશની કુલ વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ત્રણ ચતુર્થાંશ કરતાં વધારે એટલે કે ૭૫ ટકાથી વધારે જળવાઈ રહેશે પણ મુસ્લિમોની વસ્તી ભારતની મુસ્લિમ વસ્તી ૨૦૨૦ ષ્ઠીટ આશરે ૨૧.૩ કરોડ હતી તે ૨૦૭૦ સુધીમાં વધીને લગભગ ૩૩.૪ કરોડ) સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતના મુસ્લિમોની વસ્તીમાં લગભગ ૬૦ ટકાનો વધારે થશે જ્યારે હિંદુઓની વસ્તી૧૫ ટકા જેટલી જ વધશે તેથી કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ વધી જશે. ૨૦૭૦માં ભારતની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૨૦ ટકાની આસપાસ હશે તેથી મુસ્લિમોનો પ્રભાવ વધશે એવી આગાહીઓ થઈ રહી છે પણ વાસ્તવમાં મુસ્લિમોની વધતી વસ્તીના કારણે હિંદુ ધ્રુવીકરણ વધશે તેથી વસ્તી વધી તેની અસરો બહુ નહીં વર્તાય.
હિંદુઓએ વધારે બાળકો પેદા કરવાં જોઈએ ?
આ રિપોર્ટ પછી સોશ્યલ મીડિયા પર હિંદુઓને જાગવાની અને વધારે બાળકો પેદા કરવાની હાકલ કરતા મેસેજીસનો ચાલુ થઈ ગયો છે. આમ તો, ભારતમાં હિંદુવાદી સંગઠનોના નેતાઓ અને હિંદુ સાધુઓ લાંબા સમયથી આવી સલાહો આપ્યા જ કરે છે પણ હવે નવેસરથી ડોઝ અપાઈ રહ્યો છે. હિંદુઓ વધારે સંતાનો પેદા નહીં કરે તો ભારતમાં મુસ્લિમોનું રાજ હશે ને હિંદુઓ મુસ્લિમોના ગુલામ થઈ જશે એવા મેસેજ ફરી રહ્યા છે. યુવા હિંદુઓને યોગ્ય ઉંમરે લગ્ન કરી લઈને ઓછામાં ઓછાં ચાર સંતાનો પેદા કરવાની સલાહો પણ અપાઈ રહી છે. બીજી તરફ જેન-ઝી એટલે કે નવી પેઢીમાં લગ્ન કરવાના બદલે એકલા રહેવાનું વલણ વધતું જાય છે તેથી હિંદુઓની વસ્તી ઘટશે તો સમસ્યા સર્જાશે એ ચિંતા યોગ્ય છે પણ તકલીફ એ છે કે, સલાહો આપનારા જેન-ઝી કેમ લગ્નથી અને સંતાનો પેદા કરવાથી દૂર ભાગી રહી છે એ સમજવા તૈયાર નથી. જે લોકો લગ્ન કરી લે એ પણ એક સંતાનથી વધારે પેદા કરતાં નથી. તેનું કારણ બેફામ મોંઘવારી અને અપૂરતી આવક છે.
ભારતે જોરદાર આર્થિક વિકાસ કર્યો હોવાનાં બણગાં ફૂંકાય છે પણ વાસ્તવિકતા એ છે કે, ભારતમાં મોટા ભાગના યુવાઓ બે છેડા ભેગા થાય એટલું કમાતા જ નથી. લગ્ન કરો એટલે રહેવા ઘર લેવું પડે ને વાહન પણ લેવું પડે. સંતાનો થાય એટલે તેમના ઉછેર અને ભણાવવા પાછળ પણ ખર્ચ કરવો પડે. આ બધું કરવા માટે આખી જિંદગી ઢસરડા કરવા પડે ને યુવા પેઢીની તેની તૈયારી નથી.
હિંદુ સમાજ એક થઈને આ સમસ્યાનો હલ લાવી શકે તેમ છે. ભારતમાં હિંદુ મંદિરો, મઠો, આશ્રમો પાસે અબજો રૂપિયા છે. હિંદુઓ ધર્મમાં શ્રધ્ધા ધરાવનારી પ્રજા છે તેથી ધર્મના નામે દાનનો પ્રવાહ બંધ થતો જ નથી. હિંદુ સમાજ એક થઈને દરેક હિંદુ બાળકના ઉછેર અને શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લઈને આ નાણાં વાપરવા માંડે તો હિંદુ યુવાઓ જવાબદારીઓથી મુક્ત થાય. આ સંજોગોમાં હિંદુ યુવાઓ લગ્ન પણ કરે ને વધારે બાળકો પણ પેદા કરે.
હિંદુ સમાજની આ જવાબદારી ઉઠાવવાની તૈયારી છે ?
sanjogpurti@gmail.com










































