વડોદરા જિલ્લાના સાવલી ખાતે યોજાયેલા દિવાળી સ્નેહમિલન સમ્મેલનમાં ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી ના લડવાનો પોતાનો અગાઉના નિવેદનને દોહરાવ્યું છે. કેતન ઇનામદારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી હું લડવાનો નથી, એ બાબતે હું મારી વાત પર અડીખમ છું, પછી ઇશ્વરની ઇચ્છા.” આ સાથે જ તેમણે આગામી પંચાયતની ચૂંટણીને લઇને કાર્યકરો અને આગેવાનોને એકતા જાળવવાની પણ અપીલ કરી હતી.
સાવલી વિધાનસભા વિસ્તારનું દિવાળી સ્નેહમિલન સંમેલન સાવલીના શિવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. ધારાસભ્ય કેતન ઈનામદારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કાર્યકરો અને આગેવાનો સાથે તેમણે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમના સંબોધનનું મુખ્ય આકર્ષણ વર્ષ ૨૦૨૭ની ચૂંટણી અંગેનું નિવેદન રહ્યું હતું.
કેતન ઈનામદારે ફરી એકવાર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ ૨૦૨૭ની ચૂંટણી લડવાના નથી અને આ નિર્ણય અંગે તેઓ પોતાની વાત પર અડીખમ છે. તેમણે કહ્યું હતું કે, “૨૦૨૭ની ચૂંટણી હું નથી લડવાનો એ બાબતે હું મારી વાત પર અડીખમ છું, પછી ઈશ્વરની ઈચ્છા.” તેમના આ નિવેદનથી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમની રાજકીય ભૂમિકા અંગેની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે.
સ્નેહમિલન સંમેલનમાં તેમણે આગામી પંચાયતની ચૂંટણીઓને લઈને પણ કાર્યકરો અને સ્થાનિક આગેવાનોને મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન ગામના લોકો કે કાર્યકરો વચ્ચે મનભેદ ઊભા થાય તો મોટું મન રાખીને ચૂંટણી લડવી જાઈએ. ચૂંટણીમાં જીત કે હાર કરતાં ગામની એકતા અને અખંડિતતા વધુ મહત્વની છે. ચૂંટણીના કારણે ગામના સંબંધો બગડવા ન જાઈએ કે ગામની એકતાને નુકસાન પહોંચવું જાઈએ નહીં તેવી અપીલ તેમણે કરી હતી.
કેતન ઈનામદારે તાલુકાની જનતા સાથેના પોતાના સંબંધો અંગે પણ વાત કરતાં કહ્યું હતું કે, “હું જીવું ત્યાં સુધી સરપંચ અને ધારાસભ્ય જેટલું માન-સન્માન તાલુકાની જનતાને અપાઇસ.” તેમના આ નિવેદન દ્વારા તેમણે સ્થાનિક જનતા અને ગામના આગેવાનોને સન્માન આપવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આગામી દિવસોમાં તમામ કાર્યકરો અને આગેવાનો સાથે મળીને સાવલીના વિકાસ માટે કામ કરવાની વાત પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આવનારા દિવસોમાં બધા સાથે રહીને સાવલીનો વિકાસ કરીશું.” આમ, દિવાળી સ્નેહમિલનના મંચ પરથી કેતન ઈનામદારે એક તરફ ૨૦૨૭ની ચૂંટણી નહીં લડવાના પોતાના વલણને પુનરાવર્તિત કર્યું હતું, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સંગઠન અને ગામડાંની એકતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.