સરદાર સાહેબનાં સંભારણાં વિરાટ વ્યક્તિત્વ અને વિચારધારા

ભારતના ઇતિહાસમાં કેટલીક મહાન વિભૂતિઓ એવી હોય છે, જેમનું જીવન માત્ર ઇતિહાસનાં પાનાં પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણાનો પ્રકાશસ્તંભ બની રહે છે. આવી જ એક મહાન વિભૂતિ એટલે લોખંડી પુરુષ, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ.જેમની ૧૫૧મી જન્મ જયંતિ એટલે ૩૧ ઓક્ટોબર; રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સમગ્ર ભારત દેશે ખુબજ ગૌરવ સાથે ઉજવી. એવા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને શત શત વંદન. સરદાર સાહેબનું નામ સાંભળતાં જ આંખ સામે એક દૃઢ નિશ્ચયી, સાદગીપૂર્ણ, નિર્ભય અને રાષ્ટ્રપ્રેમથી છલોછલ વ્યક્તિત્વની સાથે એક વિચારધારા ઊભરી આવે છે.ખેડૂત પરિવારમાં જન્મેલા વલ્લભભાઈએ સંઘર્ષ, પરિશ્રમ અને આત્મવિશ્વાસના બળે જીવનમાં અસાધારણ ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. તેમનું જીવન આપણને શીખવે છે કે માણસની ઓળખ તેના જન્મથી નહીં, પરંતુ કર્મ અને કર્તવ્યથી થાય છે.સરદાર સાહેબનું સૌથી મોટું યોગદાન એટલે દેશની એકતા અને અખંડિતતા. આઝાદી સમયે ભારત અનેક રજવાડાંઓમાં વહેંચાયેલું હતું. તેવા કપરા સમયે તેમણે પોતાની રાજકીય કુનેહ, દૃઢતા અને નિર્ણયશક્તિના બળે ૫૬૨થી વધુ રજવાડાંઓને એક ભારતના તાંતણે બાંધી દીધાં. આ કાર્ય માત્ર રાજકીય સફળતાનું નહોતું, પરંતુ રાષ્ટ્રનિર્માણનો ઐતિહાસિક અધ્યાય હતો. આજે આપણે જે અખંડ ભારતનું ગૌરવ અનુભવીએ છીએ, તેની પાછળ સરદાર સાહેબની અદ્વિતીય અને અણમોલ ભૂમિકા રહેલી છે.સરદાર સાહેબનું જીવન આપણને અનેક જીવનમૂલ્યોનો બોધ આપે છે. પ્રથમ મૂલ્ય છે એકતા. વ્યક્તિગત સ્વાર્થ કરતાં સામૂહિક હિત મોટું છે, તે તેમણે પોતાના કાર્યથી સાબિત કર્યું. બીજું મૂલ્ય છે નિર્ભયતા. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાચા નિર્ણયથી પાછળ ન હટવું. ત્રીજું મૂલ્ય છે કર્તવ્યનિષ્ઠા. હોદ્દો કે સત્તા મેળવવા કરતાં સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી એ જ સાચી મહાનતા છે.ચોથું મૂલ્ય છે ત્યાગ,તેમના ભાઈ માટે બ્રિટિશ સ્કોલરશીપથી લઈને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનનું પદ નહેરુજીને અપાવવામાં તેમનો ત્યાગ ભાવ જોઈ શકાય છે.પાંચમું મૂલ્ય છે સમર્પણ,જે ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને દેશની આઝાદી અને એકતા માટે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.છઠ્ઠું મૂલ્ય છે મજબૂત મનોબળ; કોર્ટમાં કેસની દલીલ કરતી વખતે પરિવારના દુઃખદ સમાચારના તાર ની ચિઠ્ઠી ખીચ્ચામાં નાખીને પોતાની ફરજ પુરી કરી શકે એ મજબૂત મનોબળ દર્શાવે છે.સાતમું મૂલ્ય સબળનેતૃત્વ; જે બારડોલી સત્યાગ્રહથી લઈને અખંડ ભારતના નિર્માણ સુધી સતત જોવા મળ્યું.સરદાર સાહેબે ખેડૂતોના હક માટે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું અને ખેડૂતોના આત્મસન્માનને નવી ઓળખ આપી. બારડોલીના ખેડૂતોએ તેમને ‘‘સરદાર’’નું બિરુદ આપ્યું. આ બિરુદ કોઈ સત્તાનું પરિણામ નહોતું, પરંતુ જનતાના વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક હતું.આજે સમાજમાં નાની-નાની બાબતોમાં મતભેદ, મનભેદ, સ્વાર્થ અને વિખવાદ જોવા મળે છે. આવા સમયે સરદાર સાહેબનું જીવન આપણને આત્મમંથન કરવા પ્રેરે છે. આપણે સરદાર સાહેબને માત્ર પુષ્પાંજલિ અર્પણ કરીને કે પ્રતિમાને વંદન કરીને જ યાદ ન કરીએ, પરંતુ તેમના વિચારોને આપણા વ્યવહારમાં ઉતારીએ. પરિવાર, સમાજ, સંસ્થા અને રાષ્ટ્રના હિતમાં એકતાની ભાવના કેળવીએ.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ સરદાર સાહેબની ભવ્યતાનું પ્રતીક છે, કારણ કે ૬ ફૂટની ઊંચાઈ ધરાવતા મહા માનવની ૧૮૨ મીટર એટલે કે ૫૯૭ ફૂટની પ્રતિમા પ્રસ્થાપિત થાય એ અખંડ ભારતના નિર્માણમાં એમના અતુલ્ય યોગદાનનું પ્રતીક છે. તેમના વિચારોની ઊંચાઈ આપણા જીવનમાં ઉતરે ત્યારે જ સાચા અર્થમાં તેમની સ્મૃતિ જીવંત રહેશે.કારણ કે તેઓ એક વ્યક્તિ નહિ પણ વિરાટ વિચારધારા સ્વરૂપે સમગ્ર દેશ વાસીઓના દિલમાં આજે પણ આદરભર્યું સ્થાન ધરાવે છે.સરદાર સાહેબના જન્મદિન અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એવો સંકલ્પ કરીએ કે મતભેદ હશે, મનભેદ નહીં; વિચારો અલગ હશે, પણ રાષ્ટ્રહિત એક જ રહેશે.