રાજકોટ ગ્રામ્ય પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા નકલી ડાક્ટરો સામે લાલઆંખ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. યોગ્ય તબીબી લાયકાત કે ડિગ્રી વિના ગેરકાયદે રીતે કલીનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા કુલ ૧૭ બોગસ ડાક્ટરોને રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા છે. પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા નકલી ડાક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ઝડપાયેલા ૧૭ આરોપીઓ પૈકી ૧૪ આરોપીઓ તો માત્ર ધોરણ ૧૦ અને ૧૨ પાસ જ છે, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા છે. આ તમામ આરોપીઓ ભૂતકાળમાં મૂળ ડાક્ટરોના સહાયક (કમ્પાઉન્ડર) તરીકે અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્્યા હતા. આ કામગીરી દરમિયાન મેળવેલા અનુભવના આધારે તેઓએ પોતે જ કલીનિક ખોલીને ચિકિત્સક તરીકે પ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી.
આ નકલી ડાક્ટરો સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ માટે હોમિયોપેથિક તથા એલોપેથિક દવાનો ઉપયોગ કરીને દર્દીઓને એલોપેથીની સારવાર અને ઇન્જેક્શનો પણ આપતા હતા.
ઝડપાયેલા કેટલાક આરોપીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી જ આ ધંધામાં આવ્યા હતા, જ્યારે કેટલાક શખસો છેલ્લા ૧૦ વર્ષથી પણ વધુ સમયથી તબીબી લાયકાત વિના જ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ભાડાં ફૂટવાની બીકે કેટલાય બોગસ ડાક્ટરો પોતાના દવાખાના બંધ કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાંથી બોગસ ડાક્ટરોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ ચાલુ જ રાખવામાં આવશે. હાલ પકડાયેલા તમામ ૧૭ આરોપીઓ સામે કાયદાકીય ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.







































