બગસરામાં પાલિકા તંત્રએ દિવાળીના ટાણે જ દબાણ હટાવની નોટીસ ફટકારતા નાના વેપારીઓમાં રોષ ફેલાયો છે. નાના વેપારીઓ આવક રળવા માટે દિવાળીના તહેવારની રાહ જાતા હોય છે ત્યારે પાલિકાએ દબાણ હટાવની નોટીસ ફટકારતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બગસરા નગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા દબાણ હટાવવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. જો કે દિવાળીનો સમય હોય આવક રળવા માટે વેપારીઓ તહેવારની રાહ જોતા હોય છે ત્યારે જ પાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં અમરેલી બાયપાસથી લઈ અટલજી પાર્ક સુધી, કુંકાવાવ નાકાથી લઈ નૂતન સ્વામિનારાયણ મંદિર સુધી આવેલા તમામ સરકારી જમીન પર દબાણ હટાવવા માટે પાંચ દિવસની મર્યાદા આપેલ હતી. જો કે આશ્વર્યની વાત તો એ છે કે અમરેલી બાયપાસ પાસે આવેલી હોટલ, નાની દુકાનો અને ઝુંપડા મુખ્યમાર્ગથી ર૦ ફુટ અંદર આવેલા છે છતાં પણ આવા નાના વેપારીઓ અને ગરીબ પરિવારોને તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી છે. હકીકતમાં તો માર્ગ પર આવેલા વીજપોલ દબાણમાં છે તેને દૂર કરવાને બદલે તંત્ર નાના વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમ, ગામમાં થયેલા દબાણો દુર કરવાને બદલે તંત્રએ અમરેલી બાયપાસ સહિતના વિસ્તારોમાં દબાણ દુર કરવાની નોટીસ ફટકારતા વેપારીઓમાં રોષ ફેલાયો છે.