​સાંજનો સમય હતો. આકાશમાંથી રૂપા જેવી સફેદ પૂંછડી હલાવતા હલાવતા, એક તેજસ્વી વાદળ પર સવાર થઈને સંત શ્રી બૂબૂડાનાથ પૃથ્વી પર પધાર્યા. મેં એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને દુનિયાનો સૌથી ગંભીર પ્રશ્ન પૂછ્યોઃ
​”હે મહારાજ! આ અખબારો અને વેબસાઈટોમાં સમાચારની શરૂઆતમાં ડેટલાઈન લખાય છે, પણ એમાં ક્યાંય ‘ડેટ’ (તારીખ) તો હોતી નથી! તો પછી એને ‘ડેટલાઈન’ કેમ કહે છે? આ તો પેલું ગુલાબજાંબુ જેવું નથી, જેમાં ન હોય ગુલાબ કે ન હોય જાંબુ?”
​બૂબૂડાનાથે પોતાની ચમકતી આંખો પટપટાવી, મોઢામાં એક કાલ્પનિક બિસ્કિટ ચાવતા હોય તેમ રમુજી લહેકામાં જવાબ આપ્યોઃ
​”વત્સ! તું હજુ પૃથ્વીના ટેકનોલોજીના માયાજાળમાં અટવાયેલો છે. સાંભળ, આ ‘ડેટલાઈન’ પાછળનો ઇતિહાસ અને એનાથી પણ મોટું રહસ્ય!”
​બૂબૂડાનાથ બોલ્યા, “બેટા, ૧૮મી સદીમાં જ્યારે સમાચાર ટેલિગ્રાફથી મોકલાતા, ત્યારે લાઈનો બહુ મોંઘી પડતી. પત્રકાર બિચારો હાંફતો હાંફતો તારીખ અને શહેરનું નામ લખતો જેથી એડિટરને ખબર પડે કે આ સમાચાર કાલના છે કે ગયા જન્મના! એ વખતે તારીખ એ ‘આત્મા’ હતી. પણ હવે? હવે તો વેબસાઈટ પર તારીખ આપમેળે પેલા મકાનવેરાના બિલની જેમ ઉપર ચોંટેલી જ આવે છે. એટલે હવે ડેટલાઈનમાં તારીખ લખવી એ લગ્નની કંકોતરીમાં ‘જમણવાર છે’ એવું લખવા જેવું લાગે, જે તો ખબર જ હોય!”
​”મહારાજ, તો નામ કેમ નથી બદલતા?” મેં પૂછ્યું.
​બૂબૂડાનાથ હસ્યા, “અરે પાગલ! આ તો પત્રકારત્વની પરંપરા છે. જેમ અમુક લોકો લગ્ન પછી પણ પિયરની અટક નથી છોડતા, એમ પત્રકારોએ આ ‘ડેટ’ શબ્દ પકડી રાખ્યો છે. હકીકતમાં, જૂના જમાનામાં સમાચાર ક્યારે ‘Expire’ થશે એ તારીખ પરથી ખબર પડતી. આજે તો સમાચાર ‘Expire’ થાય એ પહેલાં તો એના પર ૨૦ મીમ્સ બની જાય છે! એટલે તારીખની જરૂર જ ક્યાં છે?”
​બૂબૂડાનાથે પૂંછડીથી હવામાં એક ગોળો બનાવ્યો અને કહ્યું, “વત્સ, ૧૯૨૦ના ગાળામાં અમેરિકાના પત્રકારોએ નક્કી કરેલું કે જે સમાચારમાં તારીખ ન હોય એ સમાચાર ‘ગાયબ’ Dead ગણાશે. એટલે એ લાઈનને ‘Dead-line’ પણ કહેવાતી. સમય જતાં એ ‘Dateline’ બની ગઈ. હવે તમે લોકો ડેટ લખતા નથી, એટલે એ લાઈન હવે બિચારી ‘Single’ રહી ગઈ છે, એની ‘ડેટ’ ક્યાંક ખોવાઈ ગઈ છે!”
​સંત બૂબૂડાનાથે આકાશ તરફ પ્રયાણ કરતા છેલ્લું સત્ય સંભળાવ્યુંઃ “વેબસાઈટ પર તારીખ, વાર, કલાક અને સેકન્ડ બધું જ દેખાય છે. હવે જો પત્રકાર ડેટલાઈનમાં ફરી તારીખ લખે, તો વાંચનારને એમ લાગે કે પત્રકારને પોતાની ઘડિયાળ પર વિશ્વાસ નથી અથવા એણે હજુ ગઈકાલનું છાપું વાંચવાનું છોડ્‌યું નથી! એટલે હવે ડેટલાઈન એ માત્ર ‘સરનામું’ છે, ‘તારીખ’ નથી.”
​આટલું કહીને સંત અલોપ થઈ ગયા, અને હું વિચારતો રહી ગયો કે હવે આપણે જે ડેટલાઈન લખીશું, એમાં ડેટ નહીં પણ માત્ર આપણો ‘દબદબો’ હશે! naranbaraiya277@gmail.com