નવરાત્રીમાં રાત્રે ગરબાના તાલે ઝૂમતા પગ અને આઠમના દિવસે કુળદેવી સમક્ષ જાડાતા હાથ ગુજરાતી સંસ્કૃતિમાં ભક્તિના આ બંને સ્વરૂપનું આગવું મહત્વ આવતી કાલે જાવા મળશે. નવરાત્રીની આઠમ એટલે માત્ર હવન અને પૂજાનો દિવસ નહીં, પરંતુ વર્ષોથી ચાલી આવતી કુટુંબની પરંપરા, વડીલોના સંસ્કાર અને કુળદેવી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને ફરી જીવંત કરવાનો અવસર છે. આવતી કાલે હવનાષ્ટમી નિમિત્તે અનેક પરિવારોમાં માતાજીને નૈવેદ્ય ધરાવાશે, પૂજા-અર્ચના થશે અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરાશે.ગુજરાતી પરિવારો લગ્ન પ્રસંગ હોય, બાળકનો જન્મ હોય, નવા ઘરમાં પ્રવેશ હોય કે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું હોય, અનેક પરિવારો શુભ પ્રસંગે કુળદેવીનાં દર્શન કરી આશીર્વાદ લેવાની પરંપરા જાળવે છે.કુળદેવીને નૈવેદ્ય ધરાવવાની રીત દરેક પરિવાર અને સમાજમાં અલગ હોઈ શકે છે. ક્યાંક ઘરમાં પરંપરાગત વાનગીઓ બનાવી માતાજીને ધરાવવામાં આવે છે, તો ક્યાંક પરિવારના સભ્યો કુળદેવીના મંદિરે જઈ નૈવેદ્ય અર્પણ કરે છે. અંબાજી, ચોટીલા અને બહુચરાજી જેવાં પ્રસિદ્ધ યાત્રાધામોમાં આવતી કાલે માતાજીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે.
સમય સાથે જીવનશૈલી બદલાઈ છે, પરિવારો દૂર દૂર વસવા લાગ્યા છે અને નવી પેઢીની દિનચર્યા પણ અલગ બની છે. તેમ છતાં, આઠમનાં નૈવેદ્ય જેવી પરંપરાઓએ પરિવારને પોતાનાં મૂળ સાથે જાડી રાખ્યો છે. માતાજીને ધરાવાતી થાળી ભલે દરેક ઘરમાં અલગ હોય, પરંતુ તેની પાછળની ભાવના એકસરખી સર્વોત્તમ છે.







































