ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર સામે તંત્રએ કાર્યવાહી કરી છે. કોડીનાર–ઉના હાઇવે પર વેળવા ટોલનાકા નજીક મામલતદારની તપાસ દરમિયાન ઘઉં અને ચોખાનો જથ્થો ભરેલું બોલેરો વાહન ઝડપાયું હતું. જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીની સુચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ન્યાઝ અબ્દુલ લતીફના બોલેરો વાહનમાંથી ૩૦ બોરી ઘઉં, ૧,૫૦૦ કિલો અને ૧૫ બોરી ચોખા, ૭૫૦ કિલો મળી કુલ ૨,૨૫૦ કિલો અનાજ મળી આવ્યું હતું. અનાજના ખરીદ-વેચાણ માટે જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેથી અનાજ અને અંદાજિત રૂ. ૨.૭૦ લાખની કિંમતના વાહન સહિત કુલ રૂ. ૩.૩૩ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. અનાજ ક્યાંથી લવાયું અને ક્યાં લઈ જવાતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.