સુરત શહેરમાં વાહનચોરી અને મોબાઈલ ચોરીના બનાવો પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વાહનચોરીના બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની ૧૩ ટૂ-વ્હીલર મોટરસાઇકલ અને એક મોબાઈલ ફોન મળી કુલ અંદાજે રૂ. ૪.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની પૂછપરછમાં રાંદેર સહિત અડાજણ, જહાંગીરપુરા, સિંગણપોર, ઇચ્છાપોર અને ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
રાંદેર પોલીસ દ્વારા વાહનચોરી સહિતના વણઉકેલાયેલા ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે રાંદેર વિસ્તારમાં લાગેલા cctv કેમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ સુધી પહોંચવા માટે મહત્વની કડી મળી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે પ્રકાશ ઉર્ફે રવિ અને પપ્પુ નામના બે શખસો ચોરીની મોટરસાઇકલ લઈને ઉગત પાણીની ટાંકી અને બોટનિકલ ગાર્ડન નજીકથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને શખસોને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરતાં અન્ય વાહનો અને મોબાઈલ ચોરીના ગુનાઓમાં પણ સંડોવણી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. બંને આરોપીઓ રહેણાક વિસ્તારોની આસપાસ પા‹કગમાં મૂકેલી જૂની ટૂ-વ્હીલર મોટરસાઇકલને નિશાન બનાવતા હતા. મોડી રાત્રે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને અથવા સ્ટીયરિંગ લોક તોડીને મોટરસાઇકલની ચોરી કરવામાં આવતી હતી. ચોરી કરેલી મોટરસાઇકલનો ઉપયોગ કર્યા બાદ પેટ્રોલ ખૂટી જાય ત્યારે વાહનોને એક જગ્યાએ ભેગાં કરી રાખવામાં આવતાં હતાં. ત્યારબાદ આ વાહનો રાજસ્થાનમાં વેચી દેવાની પેરવી કરવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
આ કેસમાં પોલીસે નીચેના બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રકાશ ઉર્ફે રવિ વરસિંહ બાજાની (નિનામા), ઉંમર ૧૯ વર્ષઃ મૂળ વતન કાનગઢ, જિલ્લો પ્રતાપગઢ, રાજસ્થાન. હાલ રાંદેર વિસ્તારમાં બોટનિકલ ગાર્ડનની સામે ફૂટપાથ પર રહેતો હતો. પપ્પુ જીવાભાઈ નીનામા, ઉંમર ૨૧ વર્ષઃ મૂળ વતન નાથપુર, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન. હાલ રાંદેરના ઉગત હળપતિવાસ વિસ્તારમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ આરોપી પ્રકાશ ઉર્ફે રવિ સામે મધ્યપ્રદેશના શૈલાના પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનો નોંધાયેલો છે.
એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયોઃ પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપીઓની પૂછપરછના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના આઠ, અડાજણ, જહાંગીરપુરા, ઇચ્છાપોર, સિંગણપોર અને ઓલપાડ પોલીસ સ્ટેશનના એક-એક ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું જણાવાયું છે. આમ, વાહનચોરીના કુલ ૧૩ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીની કુલ ૧૩ મોટરસાઇકલ અને એક વનપ્લસ નોર્ડ-૨ મોબાઈલ ફોન કબજે કર્યો છે. જપ્ત કરાયેલી મોટરસાઇકલોમાં મુખ્યત્વે હીરો હોન્ડા સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ અને બજાજ પલ્સરનો સમાવેશ થાય છે. પોલીસની પ્રેસનોટ મુજબ, જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. ૪.૫૫ લાખ દર્શાવવામાં આવી છે. જોકે, પ્રેસનોટમાં વાહનોની કેટલીક વ્યક્તિગત કિંમત અને કુલ કિંમતના આંકડામાં વિસંગતતા જણાતી હોવાથી અંતિમ મૂલ્યની પુષ્ટિ જરૂરી છે.