મહેસાણા-બહુચરાજી હાઇવે પર ખાનગી પેપર મિલના અસહ્ય પ્રદૂષણ અને દુર્ગંધથી સામેત્રા સહિત પાંચ ગામના લોકો ત્રસ્ત થઈ ગયા છે. જેના કારણે આ ગામના બાળકો, મહિલાઓ સહિત તમામ લોકો આજે રસ્તા પર ઉતરી આવીને ભારે વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. નોંધનીય છે કે, કંપનીમાંથી નીકળતી અસહ્ય રાસાયણિક દુર્ગંધના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા-ઉલટી, માથાનો દુખાવો અને ચામડીના રોગો જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણની તીવ્રતા એટલી વધુ હતી કે શાળાના બાળકો પણ બેભાન થઈ જતા હતા, જેના કારણે શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી.
મહેસાણા-બહુચરાજી હાઇવે પર આજે સવારથી જ માહોલ ગરમાયો છે. આ વિસ્તારની એક ખાનગી કંપનીમાંથી સતત આવતી દુર્ગંધથી કંટાળીને આસપાસના મરેડા, સામેત્રા, ખારા, ગોકલગઢ અને લક્ષ્મીપુરા એમ પાંચ ગામોના લોકોએ એકઠા થઈ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.
ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હાઇવે પર ટ્રેક્ટર આડા મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધો હતો. આ સાથે ગામના લોકોએ હાથ પકડીને ચેન બનાવીને પણ નાના વાહનોને જવા દીધા ન હતા.
હાઇવે પર ચક્કાજામની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ એક્શનમાં આવ્યું છે. જીપીસીબી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, દુર્ગંધ ફેલાવતી આ ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરીને તેને બંધ કરાવવામાં આવશે.જીપીસીબીની ખાતરી બાદ હાલ પૂરતો ગ્રામજનોનો રોષ શાંત પડ્યો છે, પરંતુ જો ફેક્ટરી બંધ નહીં થાય તો ગ્રામજનોએ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
આ અંગે સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, અસહ્ય દુર્ગંધને કારણે અમારે ઘરના બારણા બંધ રાખવા પડે છે.આ અંગે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. આખરે આસપાસના પાંચ ગામના લોકો, બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ સર્જ્‌યો હતો.