સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ અને સુરત ક્રેડાઈના પૂર્વ પ્રમુખ વેલજીભાઈ શેટા પરિવારે પિતા મોહનભાઈના અવસાન બાદ પરંપરાગત ઘેર બેસવાની પ્રથા બંધ રાખી ‘વ્હોટ્સએપ બેસણું’ રાખવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે, જેને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે. ૯૦ વર્ષની વયે અવસાન પામેલા પિતાની સ્મૃતિમાં પરિવારે લૌકિક રિવાજો છોડી ડિજિટલ માધ્યમ અપનાવતાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, સુરતમાં રાત્રે યોજાતા બેસણાંમાં સેંકડો લોકો એકઠા થવાથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ વાડીઓની અછત વચ્ચે માત્ર સામાજિક ઔપચારિકતા જ નિભાવાય છે. આ બદલાતા સમયમાં સમય અને સંસાધનોની બચત કરતા શેટા પરિવારનો આ પ્રગતિશીલ નિર્ણય સમગ્ર સમાજને નવી દિશા આપનારો અને પરિવર્તન તરફ દોરી જનારો સાબિત થશે.






































