ગોંડલ સ્ટેટના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડાયેલો ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ આજે યોગ્ય જાળવણીના અભાવે અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી જતાં સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.
ગોંડલના રાજવી કુંભાજી મહારાજના સમયમાં નિર્માણ પામેલી આ ઇમારત ભવ્ય પથ્થર કોતરણી અને અદ્ભુત સ્થાપત્યકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મહારાજા સર ભગવતસિંહજીનો જન્મ પણ આ જ દરબારગઢમાં થયો હોવાથી આ સ્મારક ધોરાજીની ઐતિહાસિક ઓળખ સમાન છે.
પરંતુ હાલમાં પથ્થરોમાં લૂણો લાગવાથી અને જૂનું બાંધકામ ક્ષતિગ્રસ્ત થવાથી આ અમૂલ્ય વારસાને કાયમી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ક્ષત્રિય સમાજના અગ્રણી ગંભીરસિંહ વાળા અને સ્થાનિક અગ્રણીઓએ સરકારે રક્ષિત જાહેર કરેલી આ ઇમારતનું વૈજ્ઞાનિક ઢબે રીનોવેશન કરી, જૂની કોતરણીનું સંરક્ષણ કરવા તેમજ તેને ફરીથી હેરિટેજ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.