ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયાના હસ્તે ઉદ્દઘાટન જયારે લોકાર્પણ રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા કરશે

કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામે માધ્યમિક શાળાનું સંપૂર્ણ નવીનીકરણ, જીર્ણોદ્ધાર અને સુશોભનનું કાર્ય પૂર્ણ થતાં આગામી તા. ૦૪/૧૦/૨૦૨૬ને રવિવારે સવારે ૮ઃ૩૦ કલાકે
નવીનીકૃત શાળાનો લોકાર્પણ સમારોહ શાળા પરિસરમાં યોજાશે. આ કાર્ય સ્વ. બાવાલાલભાઈ ભીખાભાઈ મોવલીયાની પાવન સ્મૃતિને અર્પણ કરવામાં આવ્યું છે.આ વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્યની નવી તકો મળી રહે તે હેતુથી શાળાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. આવનારી પેઢીના સપનાઓને પાંખો આપતી આ શિક્ષણસેવાની નવી શરૂઆતના પાવન પ્રસંગે સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે શાળાનું લોકાર્પણ કરાશે. જ્યારે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. નવીનીકરણ બાદ શાળાની ઇમારત આકર્ષક રંગરોગાન, હરિયાળી અને બાળકોને પ્રેરણા આપતા ચિત્રોથી શોભી ઊઠી છે. આ સમારોહના નિમંત્રક તરીકે ગ્રામ પંચાયત નાની કુંકાવાવ અને શાળા પરિવાર નાની કુંકાવાવ છે. ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષણપ્રેમીઓ અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.