પાકિસ્તાની સેના હવે પોતાના જ નેતાઓને અટકાયતમાં લઈ રહી છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાનને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના ઘરની આસપાસ ૩,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત છે. મૌલાના ફઝલુર રહેમાન હાલમાં સેના અને ખાસ કરીને જનરલ અસીમ મુનીરને નિશાન બનાવી રહ્યા છે. તેઓ જનરલ મુનીર પર દેશના ખનીજ લૂંટવાનો આરોપ લગાવી રહ્યા છે. મૌલાના ફઝલુર રહેમાન કાલે સરગોધામાં એક મોટી રેલી કરવાના હતા, પરંતુ જ્યારે તેઓ ગઈકાલે સાંજે હાઇકોર્ટ બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે લાહોર પહોંચ્યા ત્યારે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.
મૌલાના ફઝલુર રહેમાનના પક્ષના જણાવ્યા અનુસાર, તેમને વકીલોના કાર્યક્રમમાં હાજરી આપતા અટકાવવા માટે આ કરવામાં આવ્યું હતું. મૌલાના રહેમાને તાજેતરમાં સેના અને ખાસ કરીને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની ટીકા વધુ તીવ્ર બનાવી છે. તેમની ટીકાના મુખ્ય મુદ્દાઓમાં દુર્લભ પૃથ્વી ખનીજ અને ખૈબર પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન લાદવા જેવા મુદ્દાઓ શામેલ છે.લાહોરના રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. સેનાના જવાનોએ બજારો બંધ કરી દીધા હતા અને લોકોને કારણ વગર ઘરો ન છોડવાનો આદેશ આપ્યો હતો. મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાની સરકાર અને સેના પર બંધારણ અને લોકશાહીને કચડી નાખવાનો આરોપ લગાવતો એક વીડિયો બહાર પાડ્યો હતો. તેમણે જાહેર કર્યું કે અસીમ મુનીરની સેના અને શાહબાઝ શરીફની સરકાર ગમે તેટલો જુલમ કરે, તેઓ અટકશે નહીં કે ઝૂકશે નહીં કારણ કે પાકિસ્તાનના લોકો તેમની સાથે છે અને તેઓ દેશને બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે.
જેયુઆઇ એફના પ્રવક્તા હાફિઝ ગઝનફર અઝીઝે જણાવ્યું હતું કે લાહોરમાં પાર્ટીના વડા જ્યાં રહે છે તે હાઉસિંગ સોસાયટીમાં આશરે ૩,૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઇસ્લામાબાદમાં પાર્ટીના કેન્દ્રીય સચિવાલયને પોલીસે ઘેરી લીધું છે. તેમણે આ કાર્યવાહીની નિંદા કરતા તેને નાગરિક સ્વતંત્રતાઓ અને બંધારણીય અધિકારો પર હુમલો ગણાવ્યો હતો.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારે પંજાબના વિવિધ શહેરોમાં ઘણા જેયુઆઇ એફના કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ધરપકડ, રસ્તા રોકો, વ્યવસાયો સીલ કરવા અને હ્લૈંઇ દાખલ કરવા જેવી કાર્યવાહી પાર્ટીને તેના સંઘર્ષથી રોકી શકતી નથી. પાર્ટી બંધારણની સર્વોચ્ચતા અને લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે તેના પ્રયાસો ચાલુ રાખશે. ગયા અઠવાડિયે, મૌલાના રહેમાન અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષા માટે તૈનાત પોલીસ અને ફેડરલ કોન્સ્ટેબ્યુલરી કર્મચારીઓને ઇસ્લામાબાદ અને ડેરા ઇસ્માઇલ ખાનમાં તેમના રહેઠાણોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. સિંધના વિભાજનની યોજનાને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે, અને મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

































