‘‘બકા.., તું આવ્યો ત્યારનો દાંત કાઢ કાઢ થ્યો છો. તું મારાંમાં કાંઈ આડું- અવળું ભાળી ગ્યો છો ? કે તારાં ઘરે કાંઈ નવાં જૂની છે? કે પછી.., રસ્તામાં નો જોવાનું જોઈ ગ્યો છો!??’’
બેરાલાલે બકાને આવતાં વેંત જ પ્રશ્ન કર્યો.
‘‘ના..રે..ના. બેરાલાલ! હું ક્યાં દાંત કાઢું છું. હું તો હોઠ ફફડાવું છું. તમને કાનની હારે હારે આંખે ‘ય મોતીયો આવ્યો છે? જો જો હોં બેરાલાલ ! આજકાલ ઘણીય જગ્યાએ મોતીયામાં માણસોની આંખો ‘ય વઈ જાય છે. એક તો તમે ઓછું હાંભળો છો, એમાં જો આંખો ગઈ.. તો ધબાય નમઃ થઈ જાહે. પછી કોઈ બેઠું ‘ય નહીં બોલાવે.
અને ભારતમાં હવે ડોક્ટરોનો રાફડો ફાટયો છે. હવને ધંધો કરી લેવો છે. એટલે ઘણાં ‘ય ડોક્ટરો દર્દીને જરૂર નથી એવી ‘ય દવા પકડાવે છે. જરૂર નથી તોય દાખલ કરી બાટલાં ઉપર બાટલાં ચડાવે છે. અને દર્દીનું દિલ ભલે ભાંગે, પણ પોતાનું બીલ હાજુ કરે છે.’’
‘‘હવે ઈ તો એનાં બચાડા બાપાએ પેટે પાટાં બાંધીને ભણાવ્યો હોય! માથે દેણું કરીને ડોક્ટર બનાવ્યો હોય, લોન લયને હોસ્પિટલ ચાલું કરી હોય. પછી બીલ નો કરે અને નકરું દિલ જ આગળ કરે તો ડીલ વાળાં આવીને ઊભાં રહી જાય. એટલે બચાડો ડોક્ટર આ ત્રણ શબ્દો બીલ,દિલ અને ડીલ વચ્ચે અટવાતો અટવાતો જિંદગી આખી ખર્ચી નાંખે છે.
ક્યાંરેય તમે એમને રાતનાં બાર વાગે બગાસું ખાતાં જોયો!?’’
‘‘એ રાતનાં બાર વાગે બગાસું શા માટે ખાય?? પૈસા નો ખાય લે..!! (ઈમરજન્સી ચાર્જ)’’
‘‘હવે ઈ ડોક્ટર પારાયણ જાવા દે, તે દાંત કેમ કાઢ્યાં? ઈ કે..!’’
‘‘બેરાલાલ! હજીય હું કવ છું, મેં દાંત કાઢ્યાં ‘ય નથી અને કઢાવ્યા ‘ય નથી. તમે ક્યાંક ટી.વી.મા કે મોબાઈલમાં હમાચાર જોઈ ગયાં હશો. હમણાં હમણાં એમાં દાંત કાઢવાનું બોવ આવે છે. એમાં ઘણાં ‘યને તો હસવામાંથી ખસવું ‘ય થઈ જાય છે.’’
‘‘હું કાંઈ હમજયો નહીં, બકા !! તું કોની વાત કરે છે?
ઓલ્યો કપીલ રૂપિયા પાંચસોમાં નોકરી કરતો અને આજે દાંત કઢાવવાના એક એપિસોડના પચાસેક લાખ રૂપિયા લે છે, એની વાત કરે છે? ’’
‘‘ના..આ..બેરાલાલ! આ એની વાત નથી. ઓલ્યા હાઢુભાઈને કોકે હળગતું નથી પકડાવી દીધું છે !’’
‘‘અરે..ભાઈ..! કોણ હાઢુભાઈ !? કોનો હાઢુભાઈ..??’’
‘‘વાંઢાનો હાઢુભાઈ..રાહુલ ગાંધી..!!’’
‘‘એણે ક્યાં કોઈનો હાથ પકડ્યો છે? અને પકડ્યો તો ક્યાંરે પકડી લીધો?’’
‘‘એમ નહીં..! આ બધાં અલંકારો કહેવાય! એમાં તમને તો શું મનેય જાજો ટપ્પો પડતો નથી. પણ.., મૂળ વાત એ હમણાં હમણાં ઓલી ‘‘છાત્રો કી ગૂંજ’’નથી કરતાં..!? એમાં એક સ્ટેન્ડ- અપ કોમેડિયન‘પુલકિત મણિ’ . એને ભટકાઈ ગયો. કે, જાણી જોઈને ભટકાવ્યો.?? ઈ તો રામ -રહીમ જાણે. પણ, એણે ભારતનાં પ્રધાનમંત્રીની એવી હાંસી ઉડાવી એવી હાંસી ઉડાવી. કે સ્ટેજ આખાંનાં દાંત નીકળી ગયાં.’’
‘‘હું વાત કરે છે બકા..!? હંધાય ના દાંત નીકળી ગયાં? હંધાય બોખા થઈ ગયાં??’’
‘‘એમ ન..ઈ..! હંધાયે ખૂબ દાંત કાઢ્યાં એમ..!! પણ, સરવાળે ઈ દાંત કાઢવા કોમેડિયનને ખૂબ મોંઘા પડ્યાં.’’
‘‘કેમ કેમ? દાંત કાઢવાનું તો મફત હતું ને..!!’’
‘‘દાંત કાઢીને હવ હવને ઘરે વયા ગ્યા. હાઢુભાઈ એનાં ઘરે ગયાં. પણ, ઉત્તર પ્રદેશમાં આ કોમેડિયનના ચાર પાંચ શો કેન્સલ થઈ ગયાં. હવે તમે જ કહો, આ દાંત કાઢવા કોને મોંઘા પડ્યાં??’’
દાંત કાઢવાની વાત હાંભળીને અભણ અમથાલાલને બોલવાનું મન થયું..
‘‘ભાઈ..! તમે મોંઘું અને મોંઘવારીની વાત નો કરતાં. દાંત કાઢવાનું તો ભારત કરતાં અમેરિકામાં એક હજાર ઘણું મોંઘું છે.’’
બેરાલાલ બોલ્યાં વગર નાં રહ્યા.
‘‘એટલે શું ઓલ્યા બુઢ્ઢાએ ન્યા દાંત કાઢવા ઉપર પણ ટેરીફ લગાવી દીધો છે? મોઢાં ઉપર ચેઈન ફીટ કરીને તાળું મારી દીધું છે?’’
‘‘બેરાલાલ ! તમે ગુજરાતી ભાષા હમજો!! એની વાકય રચના હમજો. આમને આમ ગુજરાતી ભાષા જોખમમાં આવી જાહે. આપણે ન્યા પાણીનાં દસ પંદર પર્યાય નામ હોય. અને એને ન્યા પાણી એટલે વોટર..બસ..!!’’
‘‘તો તમે હમજાવો..! દાંત કાઢવા એટલે શું..?’’
‘‘બેરાલાલ ! મોઢાંમાં દાંત હલતો હોય એને કાઢવાની વાત છે.’’
‘‘અમેરિકામાં એક એન.આર.આઈ. ‘નિતિન મલ્હોત્રા’એ ન્યા દુઃખતો દાંત કઢાવ્યો. તો બીલ જોઈને બીજાં દાંતેય હલવા માંડ્યા.
બીલ હતું ૨૫૦૦ ડોલર આપણાં લગભગ અઢી લાખ રૂપિયા. આપણે ત્યાં આ કામ વધીને રૂપિયા દસ થી વીસ હજારમાં થાય.’’
‘‘અરે પણ..! ન્યા તો હંધાયને ઈન્સ્યોરન્સ હોય છે ને..!!’’
‘‘ઈ હંધૂય બાદ કરતાં ‘ય અઢી લાખ રૂપિયા ભરવાં પડ્યાં બોલો. ફ્લાઈટ દ્વારા ભારતમાં આવવા -જવાનું ભાડુ ‘ય એક થી દોઢ લાખ થાય અને ફરવા મળે ઈ લટકાંમાં.’’
‘‘તો..તો.. અમેરિકામાં દાંત કાઢવા બોવ મોંઘા પડ્યાં..!! આપણે તો ઘણાં ‘ય મફતમાં ‘ય દાંત કાઢે છે.(હવે તમે દાંત કાઢ્યાં? કે કઢાવ્યાં !??)
kalubhaibhad123@gmail.com












































