અમરેલી નગરપાલિકા કચેરી ખાતે શહેરી વિસ્તાર માટેના ૧૨મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સરકારના ૧૩ વિભાગોની ૫૫ પ્રકારની સેવાઓ હેઠળની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ૫૦૦થી વધુ લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી લાભ લીધો હતો. ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ સહાય અને પી.એમ. સ્વનિધિ યોજના હેઠળના પાત્ર લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આ ઉપરાંત આવકના પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જન્મ-મરણના દાખલા તથા આધારકાર્ડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, અતુલભાઈ કાનાણી, મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભુતૈયા અને વિજયભાઈ ચોટલીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































