સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વાહનચાલકોના સ્વાસ્થ્યની જાળવણી અને માર્ગ સલામતીના હેતુથી અમરેલી ખાતે બે દિવસીય નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. તા. ૨૧ સપ્ટેમ્બરે અમર ટ્રેક્ટર્સ ખાતે ટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઇવરો માટે તથા તા. ૨૨ સપ્ટેમ્બરે GSRTC બસ ડેપો ખાતે ડ્રાઇવર, કંડક્ટર અને વર્કશોપ સ્ટાફ માટે કેમ્પ યોજાયો હતો. આર.ટી.ઓ. અમરેલી, સી.ડી.એમ.ઓ.ની ટીમ, ટ્રાફિક પોલીસ, GSRTCઅને અમર ટ્રેક્ટર્સના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા કેમ્પમાં કુલ ૨૦૮ જેટલા લોકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને આંખોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યની સમયસર તપાસથી તકલીફોનું વહેલું નિદાન થઈ શકે છે અને વાહનચાલકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ સાથે માર્ગ સલામતીને પણ વધુ સુદૃઢ બનાવી શકાય છે.