સુરેન્દ્રનગરમાં પતિ-પત્નીના સંબંધોમાં ચાલતા વિવાદનો અંત એવો ભયાનક આવ્યો કે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો… કોર્ટમાં ચાલી રહેલા કેસ અને ઘરકંકાસના મનદુઃખને લઈને આરોપી પતિએ પોતાની પત્ની પર રસ્તા વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપ છે કે પત્ની સોનલબેન કોર્ટની મુદત પૂરી કરીને ઘરે પરત જઈ રહ્યા હતા. એ દરમિયાન સુરેન્દ્રનગરના માનવ મંદિર નજીક મૂળચંદ રોડ પર મચ્છો નગરના બોર્ડ પાસે આરોપી રાજેશભાઈ કાંજીયાએ રિક્ષા રોકાવી હતી. ત્યારબાદ તેણે હાથમાં રહેલા તીક્ષ્ણ ધારદાર છરા વડે સોનલબેન પર હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ ૨૦થી વધુ ઘા પત્નીના શરીરના અલગ-અલગ ભાગે આડેધડ ઘા મારવામાં આવ્યા હોવાનો આરોપ છે. હુમલો એટલો ગંભીર હતો કે સોનલબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પત્નીને બચાવવા માટે ફરિયાદી અને સાક્ષી મહિલા વચ્ચે પડ્યા હતા, પરંતુ આરોપીએ તેમને પણ છોડ્યા નહોતા. તેમના પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે.પત્નીના મોત બાદ આરોપી રાજેશ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ સામે હવે સૌથી મોટો પડકાર હતો—હત્યાના આરોપીને ઝડપવાનો. સુરેન્દ્રનગર શહેર બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.
આરોપીના સંભવિત ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા સતત આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસને મહત્વની બાતમી મળી કે હત્યાનો આરોપી વાપી ખાતે છુપાયો છે બાતમી મળતા જ પોલીસની ટીમ વાપી દોડી ગઈ… પોલીસે વાપી ખાતે આરોપીની શોધખોળ શરૂ કરી અને આખરે રાજેશ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયા પોલીસના હાથે ઝડપાઈ ગયો આરોપીને સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.