ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર બનેલા રોડ-રસ્તાઓને રીસરફેસ કરવા તેમજ નવા રસ્તા બનાવવા માંગ ઉઠી છે. સામાજિક કાર્યકર ભાનુભાઈ કોઠિયાએ મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી છે. વાંકીયા-ઇંગોરાળા તેમજ જીકીયાળી-કોટડા-રુગનાથપુર થઈ સમઢીયાળા સુધીના રસ્તાઓ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય રહે છે. આ માર્ગો આશરે આઠ વર્ષ પહેલાં બનાવાયા હતા. સ્થાનિક ગ્રામજનોએ બંને રસ્તાઓ તાત્કાલિક નવા બનાવવાની માંગ કરી છે. ઉપરાંત સાકરપરા-વાંકીયા અને વાંકીયા-કોટડા માર્ગને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લઈ નવા બનાવવા પણ માંગણી કરવામાં આવી છે.