અમરેલી જિલ્લામાં પવિત્ર જન્માષ્ટમી તથા સાતમના તહેવારો દરમિયાન પોલીસે જુગારધામો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. જુદા જુદા ૧૦ સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ ૬૪ ઇસમોને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે દરોડા દરમિયાન ૮ ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ સ્થળોએથી કુલ મળીને રૂ. ૩.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જન્માષ્ટમીના દિવસે પોલીસે ૫ સ્થળોએ દરોડા પાડી ૩૦થી વધુ લોકોને પકડ્યા હતા. વંડાના મોટા ભમોદ્રા ગામે નાળ જવાના રસ્તે દેવીપૂજકવાસ પાછળ ખેતર પાસેના વાડામાં લાઇટના અજવાળે જુગાર રમતા ૮ ઇસમો રૂ. ૧૦,૨૦૦ની રોકડ સાથે ઝડપાયા હતા. ડેડાણ ગામે સાંકડી શેરીમાં અબ્દુલભાઈ ઇસાભાઈ અગવાના ઘર પાસેથી ૯ ઇસમો તીનપત્તીનો જુગાર રમતા રૂ. ૧૨,૫૯૦ સાથે પકડાયા હતા, જ્યારે ૧ ઇસમ ફરાર થયો હતો. ખાંભાના પાટી ગામની ‘રૂપાવી સીમ’ તરીકે ઓળખાતી કનુભાઈ વાલજીભાઈ સુહાગીયાના ખેતર બાજુમાંથી ૫ ઇસમો રૂ. ૧૧,૦૧૦ સાથે પકડાયા હતા અને ૪ ઇસમો નાસી છૂટ્યા હતા. સાવરકુંડલામાં જૂના બસ સ્ટેશન પાસેથી ૪ ઇસમો રૂ. ૧,૧૪,૧૮૦ના મુદ્દામાલ સાથે તથા મફતપરા વિસ્તારમાંથી ૫ ઇસમો રૂ. ૧૪,૭૩૦ની રોકડ સાથે મળી આવ્યા હતા. આમ પ્રથમ દિવસે રૂ. ૧.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.સાતમના દિવસે પણ પોલીસે ૫ સ્થળોએ કાર્યવાહી કરીને ૩૪ જુગારીઓને ઝબ્બે કર્યા હતા, જ્યારે ૩ ઇસમો ફરાર થયા હતા. રાજુલાના વિક્ટર ગામે નેસડા વિસ્તારની રામાપીર મંદિર વાળી શેરીમાંથી ૫ ઇસમો રૂ. ૧૧,૦૭૦ સાથે પકડાયા હતા. ખાંભામાંથી ૭ ઇસમો રૂ. ૧૧,૭૧૦ની રોકડ સાથે ઝબ્બે થયા હતા. જાફરાબાદના લુણસાપુર ગામની સીમમાં ધોળીવાવ વિસ્તારના ખુલ્લા મેદાનમાં મોબાઇલની ટોર્ચના અજવાળે જુગાર રમતા ૧૦ ઇસમો રૂ. ૨૨,૧૬૦ની રોકડ અને ૭ મોબાઇલ મળી કુલ રૂ. ૯૪,૧૬૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. આ ઉપરાંત ધારીમાંથી ૬ ઇસમો રૂ. ૨૧,૪૦૦ સાથે અને સાવરકુંડલાના આકાશી પરામાંથી ૬ ઇસમો રૂ. ૧૦,૮૧૦ સાથે ઝડપાયા હતા, જ્યાંથી ૩ ઇસમો નાસી ગયા હતા. સાતમના દિવસે પોલીસે કુલ રૂ. ૧,૪૯,૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








































