અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયત વહીવટને સરળ બનાવવાના નામે મહેસૂલ અને રેવન્યુ વિભાગ અલગ કરી બે તલાટી મંત્રીઓની નિમણૂક કરવાનો નિર્ણય ખેડૂતો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે. અગાઉ એક જ મંત્રી દ્વારા વહીવટ સંભાળવામાં આવતો હતો, જ્યારે હવે રેવન્યુ તલાટી મંત્રીને ૮ થી ૧૦ ગામોનો પ્રભારી પ્રભાર સોંપાતાં ખેડૂતોની પરેશાનીમાં બેવડો વધારો થયો છે. એક તલાટી પાસે વધુ ગામોનો બોજ હોવાથી ખેડૂતોને સમયસર સરકારી સેવાઓ અને ન્યાય મળતો નથી. તેમાં પણ વર્તમાન સમયે રેવન્યુ મંત્રીઓની ચાલી રહેલી હડતાળના કારણે તલાટીઓ પાસેથી ચાર્જ પરત ખેંચાઈ રહ્યો છે. જેના પરિણામે ખેડૂતોના જમીન-મહેસૂલ અને પંચાયતને લગતા અત્યંત અગત્યના કામો અટવાઈ પડ્યા છે. વહીવટી ક્ષતિઓ અને મંત્રીઓની ભારે અછતને કારણે ગ્રામીણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે અને તેમણે માંગ કરી છે કે સરકાર
તાત્કાલિક ધોરણે તલાટી મંત્રીઓની નવી ભરતી કરી સંખ્યા વધારે તેમજ આ વહીવટી અડચણોનો ત્વરિત ઉકેલ લાવી રાહત પૂરી પાડે.









































