કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં નવો વળાંક આવ્યો છે. વોઇસ સેમ્પલ મેચિંગ માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, ફરિયાદી ભાજપ નેતા વિજય મિશ્રાએ હવે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારતી લખનૌ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.
આ કેસ ૨૦૧૮ માં બેંગલુરુમાં તત્કાલીન ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા કથિત વાંધાજનક ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. ભાજપના નેતા વિજય મિશ્રાએ ૪ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ સુલતાનપુર કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો.
કોર્ટે ૨૭ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ સુનાવણી માટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા હતા. ત્યારબાદ, રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા અને જામીન મેળવ્યા. બાદમાં, ફરિયાદી વિજય મિશ્રાએ રાહુલ ગાંધીના અવાજના નમૂના સાથે મેચ કરવા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
વિજય મિશ્રાએ ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી. સેશન્સ કોર્ટમાંથી કોઈ રાહત ન મળતાં, તેમણે હવે લખનૌ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. વિજય મિશ્રાના વકીલ સંતોષ પાંડેએ ટ્રાયલ કોર્ટને જાણ કરી કે ૧ સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હવે બધાની નજર આ મામલે હાઇકોર્ટના વલણ પર છે.







































