ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને પુરાવાના આધારે આવાસ ફાળવવાની પ્રક્રિયા માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હોવાનું રહેવાસીઓનું કહેવું છે. જોકે, ફોર્મ ભરાવ્યાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આવાસ ફાળવણી અંગેની કાર્યવાહી આગળ ન વધતા લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, મકાનો દૂર થયા બાદ ઘણા પરિવારોને બહાર ભાડાના મકાનોમાં રહેવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં તાત્કાલિક આવાસ ફાળવવા અથવા ભાડાની સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે.
૩ સપ્ટેમ્બરની સવારે ચંડોળા તળાવ વિસ્તારના ૨૦૦થી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયા હતા. રહેવાસીઓએ આવાસ ફાળવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો માટે લોકો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો કે ઘણા લોકો હાલ બહાર ભાડું ચૂકવીને રહેવા મજબૂર બન્યા છે. તેમની માંગ છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર દર મહિને ૧૦,૦૦૦ ભાડું ચૂકવવાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી તેઓ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેસી રહેશે.
વિરોધ કરી રહેલા લોકો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરવા માટે રિવરફ્રન્ટ હાઉસ પહોંચ્યા હતા. જોકે, કમિશનર સાથે તેમની મુલાકાત થઈ ન હોવાનું જણાવાયું છે. દરમિયાન, પોલીસે રિવરફ્રન્ટ હાઉસના દરવાજા બંધ કરી દીધા હતા. શહેઝાદખાન પઠાણ સહિત ૨૦૦થી વધુ લોકો બહાર બેસીને પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા. હવે તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવણી અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને ભાડાની સહાય અંગે કોઈ ખાતરી આપવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.









































