રાજકોટમાં અપૂરતા વરસાદને કારણે આગામી ઉનાળામાં પીવાના પાણીની અછત સર્જાવાની ચિંતા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. સૌની યોજના હેઠળ છેલ્લા બે દિવસથી ન્યારી-૧ ડેમમાં ફરી નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટેકનિકલ કારણોસર નર્મદાના પાણીનો પુરવઠો લગભગ એક સપ્તાહ સુધી બંધ રહ્યો હતો.ચાલુ વર્ષે રાજકોટમાં પૂરતો વરસાદ ન પડતાં આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પાણીની નવી આવક ઓછી રહી છે. પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ તબક્કાવાર ૪૦૦૦ એમએમસીએફટી નર્મદાનું પાણી આપવાની માંગણી કરી હતી. મનપાની સતત રજૂઆતો બાદ ન્યારી-૧માં ફરી પાણી શરૂ કરાયું છે.હાલ આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું નથી, પરંતુ આગામી દિવસોમાં ત્યાં પણ પુરવઠો શરૂ થવાની શક્યતા છે. ન્યારી-૧માં પાણીની આવક શરૂ થતાં રાજકોટ શહેરમાં પાણીકાપની સંભાવના હાલ પૂરતી ઘટી છે અને ઉનાળામાં નિયમિત પીવાના પાણીનો પુરવઠો જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.








































