દક્ષિણ એશિયાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ‘ઈસ્લામિક નાટો’ શબ્દ ચર્ચામાં છે. પાકિસ્તાન દ્વારા આ વિચારને આગળ ધપાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેની વાસ્તવિકતા કેટલી છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થાય છે. પશ્ચિમી દેશોનું નાટો એક મજબૂત, સંધિ આધારિત અને સુવ્યવસ્થિત સૈન્ય સંગઠન છે, જ્યારે ઈસ્લામિક નાટો હજુ સુધી માત્ર એક વિચાર છે. તેના માટે કોઈ સ્પષ્ટ બંધારણ, નેતૃત્વ કે સંયુક્ત સૈન્ય માળખું અસ્તિત્વમાં નથી. પાકિસ્તાન ઈચ્છે છે કે તુર્કી, મલેશિયા, બાંગ્લાદેશ જેવા દેશો સાથે મળીને ભારત સામે એક મોરચો ઊભો થાય. જોકે, હકીકતમાં આ દેશોના પોતાના રાજકીય અને આર્થિક હિતો છે. ઘણા દેશો ભારત સાથેના સંબંધો ખરાબ કરવા માંગતા નથી. તેથી ઈસ્લામિક નાટોના નામે કોઈ મોટું સૈન્ય ગઠબંધન ઉભું થવાની શક્યતા હાલ ઓછી છે. બાંગ્લાદેશનો ઇતિહાસ સંઘર્ષ અને રાજકીય અસ્થિરતાથી ભરેલો રહ્યો છે. ૧૯૪૭ના ભાગલા બાદ બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે પાકિસ્તાનનો ભાગ બન્યો હતો. પશ્ચિમ પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાન સાથે કરવામાં આવેલા ભેદભાવ સામે ૧૯૫૨માં બંગાળી ભાષા આંદોલન થયું, જે બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચેતનાનું મહત્વપૂર્ણ પગથિયું બન્યું. ૧૯૭૦ની ચૂંટણીમાં શેખ મુજીબુર રહેમાનની અવામી લીગને બહુમતી મળી હતી, પરંતુ સત્તા હસ્તાંતરણ ન થતાં ૧૯૭૧માં મુક્તિ સંગ્રામ શરૂ થયો. ૨૬ માર્ચ ૧૯૭૧ના રોજ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી અને નવ મહિનાના યુદ્ધ બાદ ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતની મદદથી બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો. આઝાદી બાદ પણ બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતા લાંબા સમય સુધી રહી નહીં. ૧૯૭૫માં શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ લશ્કરી શાસનનો સમય આવ્યો. ત્યારબાદ જનરલ ઝિયાઉર રહેમાન અને જનરલ હુસૈન મુહમ્મદ એરશાદના શાસન દરમિયાન સૈન્યનો પ્રભાવ રહ્યો. ૧૯૯૦માં લોકશાહીની પુનઃસ્થાપના બાદ અવામી લીગ અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) વચ્ચે સત્તા માટે સંઘર્ષ ચાલતો રહ્યો. શેખ હસીના અને ખાલેદા ઝિયા દેશના મુખ્ય રાજકીય ચહેરા બન્યા. ૨૦૦૯થી ૨૦૨૪ સુધી શેખ હસીનાએ લાંબા સમય સુધી શાસન કર્યું. આ સમયગાળામાં આર્થિક વિકાસ થયો, પરંતુ વિપક્ષે સરકાર પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવ્યો. ૨૦૨૪માં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાએ પદ છોડવું પડ્યું અને હાલ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર કાર્યરત છે. બાંગ્લાદેશ માટે ભારત સામે યુધ્ધ કરવું વ્યવહારિક રીતે અત્યંત મુશ્કેલ છે. ભૌગોલિક સ્થિતિને જોતા બાંગ્લાદેશ ત્રણ તરફથી ભારતથી ઘેરાયેલો છે. પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ જેવા ભારતીય રાજ્યો તેની સરહદ સાથે જોડાયેલા છે. જો બાંગ્લાદેશ ભારત સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરે તો તેની સામે ભારતની સૈન્ય, હવાઈ અને નૌસેનાની ક્ષમતા ખૂબ મોટી પડકારરૂપ બની શકે છે. ભારત વિશ્વની મોટી સૈન્ય શક્તિઓમાં સામેલ છે, જ્યારે બાંગ્લાદેશની સૈન્ય ક્ષમતા તેની સરખામણીમાં ઘણી નાની છે. તેથી સીધા યુધ્ધનો નિર્ણય બાંગ્લાદેશ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. ઓપરેશન સિંદૂરનો મુખ્ય હેતુ આતંકવાદી માળખા સામે કાર્યવાહી કરવાનો છે, કોઈ ચોક્કસ દેશ સામે યુધ્ધ કરવાનો તેનો હેતુ નથી. જો ભવિષ્યમાં આવું કોઈ ઓપરેશન થાય તો પણ તેનો મુખ્ય લક્ષ્યાંક આતંકવાદી ઠેકાણાઓ જ રહેશે.બાંગ્લાદેશે પણ પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિ નક્કી કરવી પડશે. તેના સ્થાપક શેખ મુજીબુર રહેમાને “બધા સાથે મિત્રતા, કોઈ સાથે વેર નહીં”ની નીતિ અપનાવી હતી. બાંગ્લાદેશનો મુખ્ય ઉદ્દેશ આર્થિક વિકાસ, રોજગારી અને સામાજિક પ્રગતિ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર, વીજળી, દવાઓ અને અન્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સંબંધો છે. તેથી કોઈપણ પ્રકારના ભ્રામક સૈન્ય ગઠબંધન કરતાં બંને દેશો માટે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને પરસ્પર સહયોગ વધુ ફાયદાકારક રહેશે. આથી ઈસ્લામિક નાટોના સહારે બાંગ્લાદેશ ભારત સામે યુદ્ધ કરશે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.








































