શહેર સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરતા ચેન્નાઈથી એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મ્યુલ બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે અલગ-અલગ રાજ્યોના લોકોને ડેટા એન્ટ્રીની નોકરી આપવાના બહાને પણ ઓનલાઈન છેતરપિંડીના રેકેટમાં સંડોવાયેલો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી ૧૪ મોબાઈલ ફોન, ત્રણ લેપટોપ અને ચાર સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ સોહનલાલ અરોરા, મૂળ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે અને હાલ ચેન્નાઈ તથા મુંબઈમાં રહેતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સતત તપાસ બાદ સાયબર ક્રાઈમ સેલની ટીમે તેને ચેન્નાઈ ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શેર માર્કેટમાં ડોલર રોકાણના નામે ૧.૫૨ કરોડની છેતરપિંડી આ કેસમાં ફરિયાદીને ૧૪ નવેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન શેર માર્કેટમાં ડોલરનું રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી.
આરોપીઓએ ફરિયાદીને બનાવટી વેબસાઈટની લિંકો મોકલી હતી અને આ વેબસાઈટને અસલી હોવાનું દર્શાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના નામે એકાઉન્ટ બનાવી શેર માર્કેટમાં ડોલર ઈન્વેસ્ટમેન્ટના બહાને અલગ-અલગ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદી પાસેથી કુલ રૂ.૧,૫૨,૬૩,૧૯૮ની રકમ ટ્રેડિંગના નામે લેવામાં આવી હતી. જાકે ત્યારબાદ ફરિયાદીને રકમ ઉપાડવા દેવામાં આવી નહોતી અને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો તથા બેંક ખાતાઓની કડીઓ તપાસવામાં આવી હતી. ૩ ટકા કમિશનથી ખાતાં મેળવી ૩.૫૦ ટકા કમિશને આગળ આપતો પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આરોપી અગાઉ ઝડપાયેલા સાગરીતો પાસેથી ટ્રાન્જેક્શનના ૩ ટકા કમિશન પર બેંક એકાઉન્ટ મેળવતો હતો. ત્યારબાદ આ બેંક ખાતાઓને ૩.૫૦ ટકા કમિશનના દરે દુબઈમાં રહી ચાઈનીઝ ગેંગ સાથે જાડાયેલા અને સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરતા શખ્સને પૂરા પાડતો હોવાની માહિતી મળી છે. આ રીતે આરોપી બેંક ખાતાઓની વ્યવસ્થા કરી સાયબર ફ્રોડની રકમને એકથી બીજા ખાતામાં ખસેડવામાં મદદરૂપ થતો હતો અને બદલામાં કમિશન મેળવતો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપીની અન્ય સાયબર ક્રાઈમ કેસમાં પણ સંડોવણી હોવાનું શોધી કાઢ્યું છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક કેસમાં આશરે રૂ.૧૫,૪૪,૧૦૪ના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડની તપાસમાં પણ આરોપીનું નામ સામે આવ્યું છે. ૩૪ બેંક ખાતાંમાંથી ૧૧૩ ફરિયાદો આરોપી પાસેથી મળેલા અલગ-અલગ બેંકોના કુલ ૩૪ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. આ ખાતાઓને નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર ચેક કરતાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ ૧૧૩ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં કુલ રૂ.૩૩,૧૪,૭૬,૯૦૯ જેટલી સાયબર છેતરપિંડીની રકમ સંકળાયેલી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ૧૪ મોબાઈલ અને ૩ લેપટોપ સહિત મુદ્દામાલ કબજે સાયબર ક્રાઈમ સેલે આરોપી પાસેથી કુલ ૧૪ મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની કિંમત આશરે રૂ.૨.૫૭ લાખ હોવાનું જણાવાયું છે. ઉપરાંત ત્રણ લેપટોપ, ચાર અલગ-અલગ કંપનીના સિમકાર્ડ તથા ૫૭ સિમકાર્ડના કવર પણ કબજે કરવામાં આવ્યા છે.




































