બહેરામપુરા વિસ્તારમાં રહેતા અબ્દુલ અજીમખાન પઠાણ વ્યવસાયે વકીલ છે. મળતી માહિતી મુજબ, ૨૨ ઓગસ્ટે તેમના પડોશમાં ભાડેથી રહેતા સોહિલ શેખના ઘરે કેટલાક લોકો કેમેરા લગાવી રહ્યા હતા. વકીલના જણાવ્યા પ્રમાણે કેમેરાની દિશા તેમના ઘર તરફ રહેતી હોવાથી તેમણે તેનો વિરોધ કર્યો હતો. વાંધો ઉઠાવ્યા બાદ ત્યાં હાજર લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જાકે, બીજા દિવસે આ જ મુદ્દાને લઈને વિવાદ ફરી વકર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
૨૩ ઓગસ્ટની રાત્રે અબ્દુલ અજીમખાન પઠાણ નાસ્તો લેવા માટે ઘરેથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અપશબ્દો બોલી મારામારી શરૂ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. વકીલ પોતાનો બચાવ કરવા માટે તેમના ભાઈ સમીરની દુકાનમાં જતા રહ્યા હતા. જાકે, હુમલાખોરોએ ત્યાં પણ તેમનો પીછો કર્યો હતો.
વકીલ દુકાનમાં આશરો લેતાં આરોપીઓએ દુકાન પર પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ છે. પથ્થરમારાના કારણે દુકાનના કાચ તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું. ત્યારબાદ વકીલ ત્યાંથી બહાર નીકળી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે અન્ય લોકો પણ ભેગા થઈ ગયા હતા. અહીં તેમના પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
વકીલને બચાવવા માટે તેમના પરિવારજનો વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન બંને તરફથી ભારે હોબાળો થયો હતો અને પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં વકીલના પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
બનાવની જાણ થતાં દાણીલીમડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. વકીલ તરફથી આ મામલે આઠ શખ્સો સામે નામજાગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનામાં વિવાદ માત્ર એક તરફની ફરિયાદ પૂરતો સીમિત રહ્યો નથી. સામા પક્ષ દ્વારા પણ વકીલ અને તેમના પરિવારજનો સામે વળતી ફરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ બંને પક્ષના આક્ષેપો અને ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરશે. કેમેરો લગાવવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ કેવી રીતે મારામારી અને પથ્થરમારા સુધી પહોંચ્યો તેની વિગતો પણ તપાસમાં સામે આવશે.










































