ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી સરસિયા રેન્જની છતડિયા બીટના રોજમાળ વિસ્તારમાંથી ૮થી ૧૦ માસના એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સરસિયા રેન્જના આરએફઓ જયશ્રી પટાટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહબાળના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસ બાદ સત્તાવાર રીતે જણાવાયું છે કે સિંહબાળનું મોત ન્યુમોનિયા નામની બીમારીના કારણે થયું છે. જોકે, વનવિભાગ દ્વારા સિંહબાળના મોત અંગે અન્ય દિશાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં વિવિધ કારણોસર ૧૦થી વધુ સિંહોના મોત થયા હતા. જેમાં બીમારી અને શંકાસ્પદ સંજોગોનો પણ સમાવેશ થાય છે. તે સમયે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને વનમંત્રીએ જંગલની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હવે ફરી એકવાર બીમારીના કારણે સિંહબાળના મોતની ઘટના સામે આવી છે.