રાજુલાના કોવાયા ગામે મૈત્રી કરારના મનદુઃખમાં જાનથી મારવાની ધમકી આપીને મોટરસાયકલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે આતુ ઉર્ફે રીણાભાઈ સાવજભાઈ લાખણોત્રા (ઉં.વ.૨૬)એ કનુભાઈ માણસુરભાઈ લાખણોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, આરોપીની ભાણેજ સાથે ફરિયાદીના ભાઈએ આશરે પંદર દિવસ પહેલાં મૈત્રી કરાર કર્યો હતો. જેનું મનદુઃખ રાખીને આરોપીએ તેમની ફોર-વ્હીલ કાર ફરિયાદીની મોટરસાયકલ પાછળ અથડાવી હતી. ત્યારબાદ આરોપીએ કારમાંથી નીચે ઊતરી, પોતાની પાસે રહેલ લોખંડનો પાઈપ મારવા જતાં ફરિયાદીએ હાથ આડો કર્યો હતો. જેથી લોખંડનો પાઈપ ડાબા હાથ પર વાગતાં મૂંઢ ઈજા થઈ હતી. આરોપીએ ગાળો આપી, ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મોટરસાયકલમાં તોડફોડ કરી આશરે રૂ. ૮,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈએચ. એલ. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































