‘વિશ્વ સિંહ દિવસ’ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે અમરેલી શહેરમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ અર્થે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમરેલીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને ‘લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ’ સક્રિય રીતે જોડાયા હતા. બાળકો અને સભ્યોએ સિંહ બચાવોના સંદેશ આપતા પ્લેકાડ્ર્સ અને બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને જાગૃત કર્યા હતા. કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ રાકેશ નાકરાણી, વિજય વસાણી અને સેક્રેટરી રાજેશ ગઢિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોદ્દેદારોએ બાળકોના ઉત્સાહને બિરદાવી સમાજને સિંહોના જતન માટે આગળ આવવા અપીલ કરી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓની બહોળી હાજરીમાં આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.






































