રાજુલામાં વિશ્વ સિંહ દિવસ અને હર ઘર તિરંગા અભિયાનના સંયુક્ત આયોજન સાથે અમરીશ ડેર અને મિત્ર મંડળ દ્વારા શહીદ ચોક, માર્કેટિંગ યાર્ડ સામે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, વેપારીઓ, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમરીશ ડેર અને તેમના સાથીઓએ રાહદારીઓ તથા સ્થાનિક લોકોને વિનામૂલ્યે તિરંગા આપી પોતાના ઘર, દુકાન અને વ્યવસાયિક સ્થળે રાષ્ટ્રધ્વજ સન્માનપૂર્વક ફરકાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે એશિયાઈ સિંહોના સંરક્ષણ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અમરેલી અને ગીર વિસ્તાર એશિયાઈ સિંહોનું મહત્વનું રહેઠાણ હોવાથી સિંહોના જતન માટે સૌએ જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમથી શહીદ ચોક દેશભક્તિના રંગે રંગાયો હતો. નાગરિકોએ ઉત્સાહપૂર્વક તિરંગા સ્વીકારી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.



































