અમરેલીના ચિતલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની લાંબા સમયથી ચાલી આવતી લોકમાંગણીને હવે મંજૂરી મળી છે. અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાની ધારદાર રજૂઆત અને સતત પ્રયાસોને મોટી સફળતા મળી છે. ચિતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજ માટે સાંસદ ભરત સુતરિયાએ લોકહિતને ધ્યાનમાં રાખી સતત રજૂઆતો કરી હતી, જેના પરિણામે હવે ચિતલ અને આસપાસના વિસ્તારના લોકોને મોટી રેલવે સુવિધા મળવા જઈ રહી છે.૧૭ ઓગસ્ટથી શરૂ થનારી વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે અમરેલીના ચિતલ રેલવે સ્ટેશન ખાતે પણ રોકાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ દ્વારા પત્ર મારફતે ચિતલ ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી હોવાની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.ચિતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજ માટે સાંસદ ભરત સુતરિયાએ કેન્દ્ર સરકાર સમક્ષ ધારદાર અને પરિણામલક્ષી રજૂઆત કરી હતી. ચીતલ તેમજ આસપાસના વિસ્તારના મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને સાંસદે પ્રાથમિકતા આપી આ મુદ્દાને સતત સરકારના સંબંધિત વિભાગ સમક્ષ રજૂ કર્યો હતો. સાંસદની લોકહિત પ્રત્યેની પ્રતિબધ્ધતા, સક્રિય કામગીરી અને સતત પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ માંગણીને મંજૂરી મળી છે.વંદે ભારતના સ્ટોપેજથી ચિતલ અને આસપાસના વિસ્તારના મુસાફરો તેમજ વેરાવળ તરફ જતા શ્રધ્ધાળુઓ માટે અમદાવાદ અને વેરાવળ સુધીની મુસાફરી વધુ ઝડપી, સરળ અને સુવિધાસભર બનશે. આ સાથે વિસ્તારની રેલવે કનેક્ટિવિટીને પણ વધુ વેગ મળશે.અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા દ્વારા લોકસભા વિસ્તારના વિવિધ પ્રશ્નો અને લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી કેન્દ્ર સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. ચિતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજની મંજૂરી સાંસદની આવી જ લોકહિતલક્ષી કામગીરી અને પરિણામલક્ષી પ્રયાસોની વધુ એક સફળતા તરીકે સામે આવી છે.ચિતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજને મંજૂરી મળતા સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
લાંબા સમયથી કરવામાં આવતી માંગણી પૂર્ણ થતાં ચિતલ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ઝડપી રેલવે મુસાફરીની નવી સુવિધા મળશે.આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ સાંસદ ભરત સુતરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ચિતલ અને આસપાસના વિસ્તારના નાગરિકોની માંગણીને મંજૂરી મળવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.ચિતલ ખાતે વંદે ભારતને સ્ટોપેજ મળતા અમરેલી શહેરના પ્રબુધ્ધ નાગરિકો, શહેર ભાજપ ટીમ, કિસાન મોરચાની ટીમ, યુવા ભાજપની ટીમ, બક્ષીપંચ મોરચાની ટીમ સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા સાંસદ ભરત સુતરિયાનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સાંસદ ભરત સુતરિયાને અભિનંદન પાઠવ્યા હતા.
અમરેલી મિશન બ્રોડગેજની માંગ સંતોષાઈ
વેરાવળ અમદાવાદ વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ ચિતલ ગામને મળે તે માટે અમરેલી મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવી હતી જોકે સાંસદ ભરત સુતરિયાની રજૂઆત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ધ્યાને લેવામાં આવતા વેરાવળ અમદાવાદ(સાબરમતી) વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ ચિતલ આપવામાં આવતા અમરેલી જિલ્લાના મુસાફર વર્ગમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
ચિતલને સ્ટોપેજ મળતા દેશના અન્ય મહાનગરો સાથે સીધી કનેક્ટિવિટી
અમરેલી મિશન બ્રોડગેજ દ્વારા ચિતલ વંદે ભારત ટ્રેનનો સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેનું મુખ્ય કારણ એ હતું કે અમરેલી થી રોજ હજારોની સંખ્યામાં વેપારીઓ રત્નકલાકારો વિદ્યાર્થીઓ અને દર્દીઓ અમદાવાદ તરફ પ્રયાણ કરે છે ચિતલ ખાતે સ્ટોપ મળવાથી અમરેલીની જનતાને સીધી અમદાવાદ સાબરમતી સુધીની આધુનિક અને સુરક્ષિત ટ્રેન સુવિધા પ્રાપ્ત થશે વધુમાં અમદાવાદ પહોંચ્યા બાદ અહીંના નાગરિકોને ત્યાંથી મુંબઈ, હરિદ્વાર, દિલ્હી જેવા દેશના પ્રમુખ ધાર્મિક અને વ્યાપારી કેન્દ્ર તરફ જવા માટે કનેક્ટિવિટી ખૂબ જ સરળતાથી મળી શકશે.









































