અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નાગનાથ બસસ્ટેન્ડ પાસે અરજદારના ગુમ થયેલ રૂ.૩,૫૦,૦૦૦/- ની કિંમતના હીરા (ડાયમંડ) શોધી કાઢી પરત અપાવ્યા છે. પોલીસે હ્યુમન સોર્સ તથા સીસીટીવી કેમેરાની મદદથી ગુમ થયેલી આ મિલકત શોધીને મૂળ માલિકને સુપ્રત કરી કાર્યક્રમને સાર્થક કર્યો છે.ઘટનાની વિગત મુજબ, અમરેલીના રહેવાસી અરજદાર વિપુલભાઈ જયંતીભાઈ વિરપરા ગત તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ સવારના અગિયારેક વાગ્યે રિધ્ધી ડાયમંડ કારખાનેથી હીરા સુરત મોકલવા માટે પેન્ટના ખીસ્સામાં નાખી નાગનાથ બસ સ્ટેન્ડ આવ્યા હતા. જ્યાં ખીસ્સામાં હાથ નાખતા હીરા મળી આવ્યા ન હતા. પોતાના રૂ.૩,૫૦,૦૦૦/- ની કિંમતના હીરા ગુમ થયા હોવાની જાણ થતાં તેમણે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે અરજીના આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હીરા શોધી કાઢી અરજદારને પરત સોંપ્યા હતા.







































