લીલીયા મોટા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા તા. ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોલેજ કેમ્પસને સંપૂર્ણ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી વિવિધ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રમતગમતનું મેદાન, શૈક્ષણિક ભવનો, પીવાના પાણીની ટાંકીઓ તેમજ સમગ્ર પરિસરની સઘન સફાઈ કરવામાં આવી રહી છે. ઝુંબેશના પ્રથમ તબક્કામાં કેમ્પસમાંથી એકત્ર થયેલા કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે જ્યારે પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરીને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોલેજના એનસીસી, એનએસએસ અને ઇકો ક્લબના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક અભિયાનમાં જોડાયા છે. આગામી દિવસોમાં નિયમિત સફાઈ, વૃક્ષોની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ અંગે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવી તેમજ પોતાના કાર્યસ્થળ અને શૈક્ષણિક પરિસરને સ્વચ્છ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.