ઉના તાલુકાના શાડેસર ગામે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા એસઓજી ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અરજણભાઈ ચીનાભાઈ બાંભણીયાની વાડીમાંથી અંદાજે ૩૦ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાનું વજન ૨૦૫ ગ્રામ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૧૦,૨૫૦ રૂપિયાના ગાંજાના છોડ, ૫૦૦ રૂપિયાનો મોબાઈલ સહિત કુલ ૧૦,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામે પણ ગાંજાના વાવેતર અંગે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.









































