સૌરાષ્ટ્રમાં સિંહો માનવભક્ષી બની રહ્યા છે ?
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં બની રહેલી ઘટનાઓના પગલે આ સવાલ અત્યારે પૂછાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં સિંહો દ્વારા માણસોની હત્યાની ઓછામાં ઓછી ૭ ઘટના બની છે તેથી આ સવાલ પૂછાવો સ્વાભાવિક પણ છે. હમણાં ૧૧ જુલાઈએ ગિરનાર ચડી રહેલા ૧૨ વર્ષના મયૂરસિંહ નામના છોકરાને સિંહ ખેંચી ગયો અને હત્યા કરી નાંખી. આ છોકરો પોતાના કાકાનો હાથ પકડીને પર્વત પર જઈ રહ્યો હતો ને સિંહનો શિકાર બની ગયો.
આ પહેલાં ૮ જુલાઈએ લીલીયાના અંટાળીયા ગામે સિંહ-સિંહણ પ્રણયક્રીડામાં મશગૂલ હતાં ત્યારે તેમની પજવણી કરનારા ૩ યુવકમાંથી એકને ખેંચી જઈને સિંહે તેની હત્યા કરી નાંખી હતી. આ પહેલાં ૨૫ જૂને અમરેલીના ખાંભામાં બાળકને સિંહણ ખેંચી ગઈ હતી એ મારી નાંખ્યો હતો. ૧૭ જૂને ભાવનગરના મહુવાના પીંગળેશ્વર ગામના યુવકનું સિંહ હુમલામાં મોત થયું હતું જ્યારે ૧૬ જૂને અમરેલીના કોવાયા ગામે સિંહે યુવકનો શિકાર કર્યો હતો. બીજી પણ આ પ્રકારની ઘટનાઓ બની જ છે.
આ ઘટનાઓથી આશ્ચર્ય થવું પણ સ્વાભાવિક છે કેમ કે સિંહ માનવભક્ષી પ્રાણી નથી. વાઘ, દીપડા જેવાં જંગલી પ્રાણી માણસો પર હુમલા કરીને તેમને મારી નાંખે છે પણ સિંહ હુમલા કરીને માણસોને મારી નાંખતા હોય એવી ઘટના ભાગ્યે જ બને છે. વિશ્વમાં આફ્રિકા અને ગીર એ બે સિંહોનાં નિવાસસ્થાન છે. આ બંનેમાંથી કોઈ જંગલમાં સિંહોને જોવા માટે દર વરસે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે પણ સિંહે કદી તેમના પર હુમલા કર્યા નથી. પ્રવાસીઓ દૂરથી સિંહને જોતાં હોય ને સિંહ પરિવાર સાથે પોતાની મસ્તીમાં મસ્ત હોય એ બહુ સામાન્ય દ્રશ્યો છે.
આફ્રિકાનાં જંગલની આપણને ખબર નથી પણ ગીરમાં તો સિંહો અને માલધારીઓનું સહ-અસ્તિત્વ ઘણાંને આશ્ચર્યજનક લાગે છે. માલધારીઓ પોતાની રીતે જીવે ને સિંહો પોતાની રીતે જીવે એ પ્રકારની વ્યવસ્થા સદીઓથી અસ્તિત્વમાં છે. ગુજરાતી સાહિત્યકાર ધ્રુવ ભટ્ટે આ સહઅસ્તિત્વ પર અકૂપાર જેવી અદભૂત નવલકથા લખી છે. આ સહ-અસ્તિત્વ એ કક્ષાનું છે કે સિંહ માલધારીઓનાં ઢોર-ઢાંખરને ઉઠાવી જઈને મારણ કરે તો પણ માલધારીઓને અજુગતું નથી લાગતું.
સિંહો ગીર તથા આસપાસના વિસ્તારોમાં રહેતા માલધારીઓ અને ખેડૂતોનાં ઢોર ઉપાડી જાય છે. દૂધાળાં ઢોરને સિંહ મારી નાંખે તેના કારણે દૂધ વિના રઝળી પડવું પડે. બળદને મારી નાંખે તો ખેતીમાં વિઘ્ન્ન આવે. આ બધી તકલીફો છતાં લોકો ફરિયાદ કરતા નથી, સિંહોને પોતાનો મિત્ર માનીને તેમની સાથે જીવે છે.
સિંહનું પેટ ભરેલું હશે તો એ માણસો પર હુમલા નહીં કરે એવું માનીને માલધારીએ બધું સ્વીકારી લે છે. સિંહ પણ મારણ મળી જાય પછી હુમલા કરતા નહોતા તેથી અત્યાર સુધી સમસ્યા નહોતી. હવે અચાનક સ્થિતી બદલાઈ છે અને સિંહોના માણસ પર હુમલા વધી રહ્યા છે તેથી સિંહોના આશ્રયસ્થાનની આસપાસના વિસ્તારોમાં ફફડાટ થાય એ સહજ છે.
સિંહોના માણસો પરના હુમલા કેમ વધી રહ્યા છે ?
આ હુમલા માટેનું મુખ્ય કારણ સિંહોના નિવાસસ્થાન એવા ગીરના જંગલનો થઈ રહેલો નાશ છે. આખી દુનિયામાં હવે સિંહો બે જ ઠેકાણે રહ્યા છે, એક દક્ષિણ આફ્રિકામાં અને બીજા ગુજરાતના ગીરના જંગલમાં. આફ્રિકાનો જંગલ વિસ્તાર બહુ મોટો છે. દક્ષિણ આફ્રિકા, કેન્યા, ઝિમ્બાવે, ધાના, કેમરૂન સહિતના ઘણા દેશોમાં વિસ્તરેલાં જંગલોમાં સિહો રહે છે. ગુજરાતમાં છેલ્લે થયેલી વસતી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૮૯૧ છે જ્યારે આફ્રિકામાં લગભગ ૨૫ હજાર જેટલા સિંહ હોવાનું કહેવાય છે. તાન્ઝાનિયા આફ્રિકન સિંહોનું સૌથી મોટું નિવાસસ્થાન છે. તાન્ઝાનિયાનાં જંગલોમાં જ ૧૩ હજાર સિંહો છે. એક સમયે આફ્રિકાનાં જંગલોમાં લગભગ ૨ લાખ સિંહ હતા પણ શિકારીઓના પાપે તેમની સંખ્યા ઘટી ગઈ પછી સિંહોને બચાવવા માટે કમર કસાઈ તેથી આફ્રિકન સિંહો બચી ગયા. આફ્રિકાના દેશોએ જંગલોનો નાશ અટકાવીને સિંહોને બચાવી લીધા.
ગુજરાતે પણ સિંહોને બચાવવા માટે બહુ મહેનત કરી છે. ૧૯૨૦માં ગીરમાં માત્ર ૫૦ સિંહ જ બચેલા પણ જૂનાગઢના તત્કાલિન નવાબ મહાબત ખાન અને દેશ આઝાદ થયો પછી આવેલી ગુજરાત સરકારોએ કરેલા પ્રયત્નોના કારણે એક સદીમાં સિંહોની સંખ્યા ૧૮ ગણી થઈ ગઈ છે. કમનસીબે સિંહોની સંખ્યા વધી એ પ્રમાણમાં જંગલનો વિસ્તાર વધ્યો નથી. બલ્કે ગુજરાતમાં તો જંગલો કાપી કાપીને કોન્ક્રીટનાં જંગલો બનાવાઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વરસોમાં સિંહ પ્રવાસનનો ભરપૂર પ્રચાર થયો તેથી સિંહદર્શન વધ્યું છે.
સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ગીરનાં જંગલોમાં હોટલોને રીસોટ્ર્સ બની રહ્યા છે તેથી સિંહોને જંગલ નાનું પડી રહ્યું છે. જંગલ કપાઈ રહ્યાં છે તેથી બીજાં પ્રાણીઓની સંખ્યા પણ ઘટી રહી છે તેથી સિંહોને પૂરતા પ્રમાણમાં મારણ નથી મળી રહ્યાં તેથી પણ સિંહો માનવવસવાટનાં સ્થળે આવી રહ્યાં છે. અહીં તેમને પ્રાણીઓ મળી જાય તો ઠીક છે, બાકી માણસો પર પણ હુમલા કરી નાંખે છે. મતલબ કે, સિંહો માનવભક્ષી નથી બની રહ્યા પણ માણસો તેના વિસ્તારમાં અતિક્રમણ કરી રહ્યા છે તેથી સિંહો પણ બહાર આવી રહ્યા છે.
આ સમસ્યાનો ઉકેલ શું ?
સિંહોને ગુજરાતની બહાર બીજાં સ્થળે પણ વસાવવા જોઈએ એવો નિષ્ણાતોનો મત છે. એક જમાનામાં પૃથ્વી પર સિંહોની ત્રણ પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી હતી. આફ્રિકામાં સહરાના રણ વિસ્તારના ઉત્તર અને દક્ષિણમાં બે અલગ અલગ પ્રકારના સિંહ રહેતા જ્યારે મધ્યપૂર્વ એશિયાથી લઈને ભારત સુધી ત્રીજી પ્રજાતિના સિંહ રહેતા હતા. આ સિંહો ‘એશિયાટિક લાયન્સ’ કહેવાય છે. એશિયન સિંહો ઈરાન, ઈરાક ને બલુચિસ્તાનમાં હતા. ભારતમાં પણ ઉત્તર પ્રદેશના રામપુરનાં જંગલોમાં, બંગાળમાં, સિંધમાં, રોહિલખંડનાં જંગલોમાં ને દક્ષિણમાં નેર્બુદાનાં જંગલોમાં સિંહ હતા.
આ પૈકી ગીર સિવાયના વિસ્તારોમાંથી સિંહો નાશ પામ્યા તેનું કારણ મુસ્લિમ બાદશાહોના શિકાર હતા. ગુજરાતમાં પણ સિંહોના શિકારનું પ્રમાણ વધારે હોવાથી ૧૮૮૯ સુધીમાં માત્ર ૧૨ સિંહ બચી ગયેલા. જૂનાગઢના નવાબે સિંહનો શિકાર નહીં કરવાનો નિશ્ચય કર્યો તેથી ગીરના સિંહો બચી ગયા, બાકી બીજાં જંગલોની જેમ ગીરમાંથી પણ સિંહો નેસ્તનાબૂદ થઈ ગયા હોત.
અત્યારે રાજા-બાદશાહોના જમાનાની જેમ મોટા પ્રમાણમાં સિંહોના શિકાર થતા નથી તેથી સિંહોની વસતી વધ્યા કરે છે પણ એ પ્રમાણમાં જંગલ વધતું નથી. સિંહોની વસતી દાયકામાં ડબલ થઈ ગઈ પણ જંગલ તો એટલું જ છે તેથી સિંહોને પૂરતા પ્રમાણમાં મારણ નથી મળતું. આ સમસ્યા ઉકેલવા માટે સિંહોને દેશનાં અલગ અલગ જંગલોમાં લઈ જવાં જોઈએ. ભારતમાં અનેક મોટાં જંગલ આવેલાં છે અને તેમાંથી ઘણાં જંગલોમાં ભૂતકાળમાં સિંહ હતા જ તેથી વાતાવરણ. આબોહવા વગેરેની સમસ્યા નડવાની નથી. તેમને પૂરતા પ્રમાણમાં ભોજન પણ મળી રહે તેથી સિંહોએ માનવ વસવાટના વિસ્તારોમાં આવવું ના પડે.
સિંહોને બીજાં જંગલોમાં વસાવવા માટે બીજાં પણ કારણ છે. નિષ્ણાતોના મતે, બીજા વિસ્તારોમાં સિંહની વસતી લુપ્ત થઈ તેના માટે શિકાર મુખ્ય કારણ છે પણ રોગચાળા સહિતનાં બીજાં કારણો પણ છે. કોઈ રોગચાળો ફાટી નિકળે કે જંગલમાં મોટી આગ લાગે તો બધા સિંહો પર એક સાથે ખતરો આવી જાય તેથી બધા સિંહોને એક જ ઠેકાણે રાખવાના બદલે અલગ અલગ જગાએ વસાવવા જોઈએ એવો વિચાર વહેતો મૂકાયેલો. ગીરના સિંહોને ગીરથી બહાર કાઢીને મધ્ય પ્રદેશના કૂનો પાલપુર અભયારણ્યાં લઈ જવાની દરખાસ્ત પણ મૂકાયેલી.
ગુજરાતે આ દરખાસ્તનો વિરોધ કરેતાં મામલો ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ભારે કાનૂની દાવપેચ પછી સુપ્રીમ કોર્ટે ૧૫ એપ્રિલ, ૨૦૧૩ના રોજ સુપ્રીમ કોર્ટે ગીરના સિંહોને ગુજરાત બહાર એટલે કે મધ્ય પ્રદેશમાં ખસેડવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમના આ આદેશ સામે ગુજરાત સરકારે રીવ્યુ પીટીશન કરેલી. સુપ્રીમ કોર્ટે ગુજરાતની રીવ્યુ પીટીશન પણ ફગાવી દેતાં ગુજરાતમાંથી સિંહોને ખસેડવાનો રસ્તો સાફ છે. સુપ્રીમ કોર્ટે નિષ્ણાંતોની સમિતીના રીપોર્ટના આધારે ચુકાદો આપ્યો હતો. આ રીપોર્ટમાં સિંહોને ક્યાં ક્યાં વસાવી શકાય છે તેની પણ ભલામણો હતી.
આ ભલામણોને સ્વીકારીને સિંહોને ગુજરાત બહાર ખસેડાશે તો સિંહો પરનો ખતરો ઘટશે ને માણસો પરનો ખતરો પણ ઘટશે. sanjogpurti@gmail.com










































