અમરેલી બાદ જૂનાગઢમાં સિંહ નરભક્ષી બન્યા છે. જૂનાગઢના ગિરનાર પર બાળક પર સિંહે હુમલો કર્યો છે. ગિરનાર ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગિરનારની સિડી પર ૧૧ વર્ષના બાળકને શિકાર બનાવ્યો છે. ૫૦ પગથિયા પર હુમલો કરી સિંહ જંગલમાં ભાગ્યો હતો. સવારે ૫ વાગ્યે સિંહે બાળક પર હુમલો કર્યો હતો. સિંહે મહેમદાબાદના મોડજ ગામના બાળક પર હુમલો કર્યો હતો. સિંહ મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણને મોઢામાં દબોચી જંગલમાં ભાગ્યો હતો.
કુટુંબી કાકાની સાથે બાળક સીડી ચડી રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કર્યો હતો. હજુ સુધી બાળક મળ્યો નથી પરંતુ બાળકના માનવ અવશેષો મળ્યા છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે વન વિભાગની ટીમે બાળકને શોધવાનું શરૂ કર્યું છે. ઘટનાને પગલે યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી છે.
બીજી બાજુ, ઘટના બની ત્યારથી બે કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. જ્યારે બાળકના પરિવારની માંગ છે કે ગિરનારની સીડી પર ખરેખર લાઈટ સહિતની વ્યવસ્થા રાખવી જાઈએ.
મળતી માહિતી અનુસાર, એક પરિવાર પોતાના માસૂમ બાળક સાથે ગિરનાર પર્વત ચડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગિરનારની સીડીઓ પાસે અચાનક એક ખૂંખાર સિંહ આવી ચડ્યો હતો. પરિવાર કઈ સમજે તે પહેલા જ સિંહે માસૂમ બાળક પર તરાપ મારી દીધી હતી. સિંહના અચાનક થયેલા આ હુમલાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, સિંહ બાળકને પોતાના મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો મોટો કાફલો અને સ્થાનિક સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે, જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા હતા.
ગિરનારના પગથિયાં પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં વન વિભાગે આ નરભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા માટેની તજવીજ અને ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, એક જ માસમાં માણસો પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના છે.