શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદ અને ત્યારબાદ આવેલી ખાડીપૂરની સ્થિતિએ શહેરને ભારે તબાહીના આરે લાવી દીધું છે. પૂરનાં પાણી એટલાં ઝડપે અને અચાનક ફરી વળ્યાં કે લોકો જીવ બચાવવા તો દોડ્યા, પરંતુ પોતાના લાડકવાયા વાહનોને બચાવવાનો સમય પણ તેમને ન મળ્યો. પરિણામ એ આવ્યું છે કે શહેરના રસ્તાઓ પર હજારો વાહનો પાણીમાં ડૂબી જતાં બંધ થઈ ગયા છે અને હવે ગેરેજામાં લાંબી લાઈનો જાવા મળી રહી છે.
સુરતમાં પૂરના પાણીમાં ૩૦૦૦થી વધુ કાર અને બાઇક ગરકાવ થઈ ગઈ છે. લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલા રહેવાને કારણે એન્જિન, એર ફિલ્ટર અને ગિયર બોક્સમાં પાણી ઘૂસી ગયું છે. આધુનિક ગાડીઓમાં રહેલા સેન્સર્સ અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સમાં શોર્ટ સર્કિટ થવાથી ગાડીઓ કંડમ જેવી થઈ ગઈ છે. મિકેનિક્સના જણાવ્યા મુજબ, વાયરિંગ બળી જવા અને એન્જિન સીઝ થવાને કારણે વાહનમાલિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
હાલ સુરતના તમામ ગેરેજ અને ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટરો વાહનોથી ખીચોખીચ ભરાઈ ગયા છે. ગેરેજ સંચાલકોના મતે, હાલ એક-એક મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. લક્ઝુરિયસ ગાડીઓના સ્પેરપાર્ટ્સ તાત્કાલિક ઉપલબ્ધ ન હોવાથી કંપનીમાંથી મંગાવવા પડી રહ્યા છે. ખાસ કરીને હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કારના માલિકો મુસીબતમાં છે, કારણ કે તેમાં ટેકનિકલ ખામીઓ એટલી ગંભીર છે કે રિપેરિંગ કાર્ય મુશ્કેલ બન્યું છે.
વરાછાના સવાણી વિસ્તારમાં તો સ્થિતિ વધુ ગંભીર જાવા મળી રહી છે. હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોની ગાડીઓ પણ પાણીમાં ડૂબી જતાં લોકોએ પોતાની ગાડીઓ ભંગારમાં આપવી પડે તેવી નોબત આવી છે. એક વાહનચાલકે વ્યથા ઠાલવતા કહ્યું કે, જે ગાડી માંડ-માંડ પૂરના પાણીમાંથી બહાર કાઢી હતી, તે હવે રસ્તામાં વારંવાર બંધ થઈ રહી છે, જેના કારણે માનસિક અને આર્થિક બંને રીતે લોકો તૂટી રહ્યા છે.
એક તરફ પૂરની આફત અને બીજી તરફ વાહનોના સમારકામનો તોતિંગ ખર્ચ, સુરતવાસીઓ માટે આ સ્થિતિ કપરા કાળ સમાન બની છે. હવે જાવાનું એ રહે છે કે આ કપરી સ્થિતિમાંથી બહાર નીકળવા તંત્ર અને ગેરેજ સંચાલકો વાહનચાલકોને કેવી રીતે મદદરૂપ થાય છે.








































