બાબરા તાલુકાના ઘુઘરાળા ગામમાં સામાન્ય વરસાદ પડતાં જ મુખ્ય માર્ગો અને વિવિધ શેરીઓમાં કાદવનું સામ્રાજ્ય સર્જાતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાઓની દયનીય હાલતને કારણે પગપાળા ચાલવું મુશ્કેલ બન્યું છે, જ્યારે દ્વિચક્રી વાહનો સ્લીપ થવાના બનાવોમાં પણ વધારો થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષોથી ગામમાં બ્લોક પેવિંગ તથા સિમેન્ટ રોડ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈને તાલુકા, જિલ્લા તેમજ સાંસદ સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક થઇ નથી. આ સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ હવે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. વરસાદી પાણી ભરાવાથી કાદવ-કીચડના કારણે ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રસ્તાના માટી અને મેટલ ભરી સમારકામ કરાવવાની તેમજ લાંબા ગાળાના ઉકેલરૂપે ગામની તમામ મુખ્ય ગલીઓમાં સિમેન્ટ અથવા બ્લોક રોડનું કામ વહેલી તકે હાથ ધરવાની પ્રબળ માંગ કરી છે.