સાંસદ ભરતભાઈ સુતરીયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા સહિત આગેવાનોની હાજરીમાં
અમરેલી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા માહિતી કચેરીના બે કર્મયોગીઓ ફિલ્મ ઓપરેટર ભૂપતભાઈ પાથર (૩૪ વર્ષની સેવા) અને સેવક મનસુખભાઈ રાઠોડ (૩૩ વર્ષની સેવા)નો વયનિવૃત્તિ નિમિત્તે લાગણીસભર વિદાયમાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાયદો અને ન્યાય, ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ પૂજ્ય સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ બંને કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું કે, માહિતી વિભાગ વહેલી સવાર હોય કે મોડી રાત, સરકારી કાર્યક્રમોની કામગીરીમાં ક્યારેય પાછીપાની કરતો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘કર્મયોગી’ શબ્દની ગરિમા આ બંને કર્મચારીઓએ પોતાની પ્રમાણિકતાથી જાળવી રાખી છે. સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ માહિતી ખાતાને સરકાર અને જનતા વચ્ચેનો મહત્વનો સેતુ ગણાવ્યો હતો.રાજકોટ-જૂનાગઢ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસિયા સહિત અન્ય પૂર્વ અને વર્તમાન અધિકારીઓએ પણ બંને નિવૃત્ત થતા કર્મચારીઓ સાથેના સંસ્મરણો વાગોળી સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, પત્રકારો અને સહકર્મીઓ દ્વારા શાલ ઓઢાડીને બંને કર્મયોગીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમના સ્વસ્થ તેમજ સુખમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા.










































