રાજકોટ જિલ્લામાં ગૌચર જમીન પર કથિત દબાણ અને પ્લોટિંગના મામલે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. લોધિકા તાલુકામાં સરકારી ખરાબાની અને ગૌચર જમીન પર થયેલા કથિત દબાણને લઈને જિલ્લા કલેક્ટરે ડીઆઇએલઆર (જિલ્લા જમીન રેકોર્ડ કચેરી) દ્વારા આપવામાં આવેલા હુકમને રદ કરતાં સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આશરે ૩૭ વિઘા ગૌચર જમીનમાં કથિત રીતે પ્લોટિંગ કરીને વેચાણ કરવામાં આવ્યું હોવાના આરોપો સામે આવ્યા છે. આ મામલે સ્થાનિક સ્તરે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
આ સમગ્ર મામલો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને ફરિયાદો બાદ ઉજાગર થયો હોવાનું જાણવા મળે છે. ફરિયાદમાં સરકારી ખરાબાની અને ગૌચર જમીન પર ગેરરીતિથી દબાણ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે ડીઆઇએલઆર દ્વારા આપવામાં આવેલા અગાઉના હુકમને રદ કરતાં હવે સમગ્ર કેસમાં નવા સિરેથી કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે. કલેક્ટરના આ નિર્ણય બાદ સંબંધિત પક્ષોમાં ચિંતા વધી હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ફરિયાદ અને દસ્તાવેજાની ચકાસણી બાદ જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે અધિકારીઓ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો જમીનના રેકોર્ડ, માલિકી અને દસ્તાવેજાની ચકાસણી કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.