વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપ (ડબ્લ્યુટીસી ૨૦૨૫-૨૭) પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને એક મોટા દાવ અને ૨૧૭ રનથી હરાવીને માત્ર પોતાની પ્રથમ જીત નોંધાવી નથી, પરંતુ ટીમ ઇન્ડિયાને પણ એક નોંધપાત્ર ફાયદો કરાવ્યો છે. વેસ્ટ ઈન્ડીઝની જીતથી ટીમ ઇન્ડિયા એક સ્થાન ઉપર આવી ગઈ છે. દરમિયાન, પ્રથમ ટેસ્ટમાં કારમી હાર બાદ શ્રીલંકા પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર રીતે નીચે આવી ગયું છે.
એન્ટીગુઆના સર વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડીઝે દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ ઇનિંગમાં ૩૧૮ રનની લીડ મેળવ્યા બાદ, કેરેબિયન બોલરોએ શ્રીલંકાને બીજા ઇનિંગમાં માત્ર ૧૦૧ રનમાં ઓલઆઉટ કરી દીધું, મેચ એક ઇનિંગ અને ૨૧૭ રનથી જીતી લીધી.
અનુભવી ઝડપી બોલર કેમાર રોચે વેસ્ટ ઈન્ડીઝની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે બીજી ઇનિંગમાં ૧૧ ઓવરમાં ૫૧ રન આપીને ચાર વિકેટ લીધી, જ્યારે જેડેન સીલ્સે ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને વિજય પર મહોર લગાવી. ૨૦૨૫-૨૭ ચક્રમાં વેસ્ટ ઈન્ડીઝની આ પહેલી જીત છે. ટીમે અત્યાર સુધીમાં નવ મેચ રમી છે, જેમાં એક જીત, એક ડ્રો અને સાત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તે આઠમા સ્થાને છે.
બીજી તરફ, શ્રીલંકાને વર્તમાન ઉ્ઝ્ર ચક્રમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો. ટીમે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ રમી છે, જેમાં એક જીત, એક ડ્રો અને એક હારનો સમાવેશ થાય છે. આ કારમી હાર પછી, તેના પોઈન્ટ ટકાવારી ઘટીને ૪૪.૪૪ થઈ ગઈ, અને તે ત્રીજા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગઈ. શ્રીલંકાના પતનથી ભારતને સૌથી વધુ ફાયદો થયો છે. ભારતીય ટીમ હવે ૪૮.૧૫ ના પીસીટી સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, ફાઇનલની દોડમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માટે ટીમ ઇન્ડીયાને આગામી ટેસ્ટ શ્રેણીમાં સતત સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.
ઓસ્ટ્રેલિયા ૮૭.૫૦ ના પ્રભાવશાળી પીસીટી સાથે ડબ્લ્યુટીસી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકા ૭૫.૦૦ ના પીસીટી સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ ચોથા સ્થાને છે. દરમિયાન, પાકિસ્તાનની અત્યાર સુધીની સિઝન નિરાશાજનક રહી છે. શાન મસૂદની આગેવાની હેઠળની ટીમે ચારમાંથી ત્રણ ટેસ્ટ હારી છે અને ધીમા ઓવર રેટને કારણે આઠ પોઈન્ટ ગુમાવ્યા બાદ નવમા સ્થાને છે.















































