અમરેલી જિલ્લામાં આગામી તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદનથી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્યની શાળાઓની ગુણવત્તા ચકાસણી અભિયાન, નવી શિક્ષણ નીતિની રૂપરેખા પુસ્તિકાનું વિમોચન તથા નિપૂણ ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન ધોરણ ૧, ૬, ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાની કામગીરી હાથ ધરાશે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને શાળા પ્રવેશોત્સવને માત્ર સરકારી કાર્યક્રમ તરીકે નહીં પરંતુ શિક્ષિત અને વિકસિત ભારતના નિર્માણના પાયા તરીકે ઉજવવા અપીલ કરી હતી.









































